ગળપાદર જિલ્લા જેલમાં ભૂખ હડતાળ કરનાર કેદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ગાંધીધામ, તા. 8 : પૂર્વ કચ્છની ગળપાદર જિલ્લા જેલમાં ભૂખ હડતાળ પર ઊતરી જેલના નીતિ-નિયમોનો ભંગ કરતાં એક કેદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.ભાવનગર જિલ્લા જેલના કેદી અશોક ધનજી રેલિયાની ગત તા. 2/4ના ગળપાદર જિલ્લા જેલમાં બદલી કરાઇ હતી. શિસ્ત અને સલામતીના કારણોસર અલગ-અલગ ગુના કામે તેની અહીં ટ્રાન્સફર કરાઇ હતી. આ કેદી નંબર 587ને ગળપાદરની ખોલી નંબર 1માં ઉચ્ચ સુરક્ષા વિભાગમાં રાખવામાં આવ્યો હતો. ગત તા. 3/4ના સાંજના ભાગે તે ભૂખ હડતાળ ઉપર ઊતર્યો હતો જે અંગે તેણે લેખિતમાં એક અરજી પણ આપી હતી. ભૂખ હડતાળ ન કરવા તેને સમજાવાયું હતું અને તા. 4/4ના ભૂખ હડતાળનો અંત લાવવા તમામ પ્રકારની કોશિશ કરવામાં આવી હતી પરંતુ આ કેદી પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યો હતો.દરમ્યાન ઇન્ચાર્જ જિલ્લા જેલ અધીક્ષક મનુભા નારણજી જાડેજાએ આ કેદી અશોક રેલિયા વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer