રેસ્ટોરેન્ટની હોમ ડિલિવરીમાં સૂચનાઓનું પાલન કરજો

ભુજ, તા. 5 : જિલ્લામાં આવેલા તમામ રેસ્ટોરન્ટ / હોટેલ સંચાલકોને ખાદ્યસામગ્રી / વાનગીઓની હોમ ડિલિવરી સુવિધા પૂરી પાડવા બાબતે મામલતદાર કક્ષાએ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. હોમ ડિલિવરી સુવિધા પૂરી પાડવા સમયે તકેદારી રાખી સૂચનાનો ચુસ્ત અમલ કરવાનો રહેશે. ખાદ્યપદાર્થ / વાનગીઓની હોમ ડિલિવરી માટે રેસ્ટોરેન્ટના રસોડાં સંકુલને સતત સ્વચ્છ (સેનિટાઇઝ) રાખવાના રહેશે અને ઉપયોગમાં લેવામાં આવતા તમામ સાધનો સેનિટાઇઝ હોય તેની ખાસ કાળજી રાખવાની રહેશે. આ રેસ્ટોરેન્ટનાં રસોડાંની કામગીરીમાં સંકળાયેલા દરેક વ્યક્તિએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો તેમજ વ્યક્તિગત સ્વાસ્થ્યનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સેનિટાઇઝર, ડિસઇન્ફેક્ટન્ટસ (જંતુનાશક દ્રવ્યો), ખાદ્યપદાર્થોને રાંધવા માટે સ્વચ્છ વાસણો, હાથમોજાં અન્ય જરૂરી એવી સુરક્ષા સામગ્રીનો ઉપયોગ કરવાનો રહેશે અને તે માટેની યોગ્ય વ્યવસ્થા રેસ્ટોરન્ટના સંચાલક / માલિકે કરવાની રહેશે. ખાદ્યપદાર્થ / વાનગીઓની હોમ ડિલિવરી માટે ઉપલબ્ધ તમામ વ્યક્તિઓ (ડિલિવરી બોયઝ)નું ક્લિનિકલ ક્રીનિંગ આરોગ્ય વિભાગ દ્વારા સુનિશ્ચિત કરાવવાનું રહેશે તથા હોમ ડિલિવરી બોયઝના વ્યક્તિગત સ્વાસ્થ્યની ખાસ તકેદારી રાખવાની રહેશે. હોમ ડિલિવરી બોયઝનું સતત હેન્ડ સેનિટાઇઝેશન દરેક ડિલિવરી સમયે અનિવાર્ય રહેશે તથા ખાદ્યસામગ્રી /વાનગીના ફૂડ?પેકેટસ ડિલિવરી કરવા હાથમોજાંનો ઉપયોગ કરવાનો રહેશે. જે જગ્યાએ ખાદ્યપદાર્થની ઓનલાઇન પેમેન્ટ મોડથી ડિલિવરી કરવાની હોય તે જગ્યાએ ડિલિવરી ઓન ડોરને અનુસરવાનું રહેશે.કેશ ઓન ડિલિવરીના કિસ્સામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. આમ, કોન્ટેકટલેસ ડિલિવરી સુનિશ્ચિત કરવાની રહેશે. ડિલિવરી બોયઝ કોઇ પણ વાયરલ ફીવર, શરદી, ખાંસી કે અન્ય બીમારીના લક્ષણ જણાય તો તરત કામગીરીથી અલગ કરીને રેસ્ટોરન્ટના જવાબદાર વ્યક્તિને તથા નજીકના આરોગ્ય કેન્દ્ર / દવાખાનામાં જાણ કરવાની રહેશે. હોમ ડિલિવરી સુવિધા માટે ઇસ્યુ કરાયેલા પાસ અન્વયેની તમામ શરતો તથા ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન્સ-2020ની ગાઇડલાઇન્સનો ચુસ્ત અમલ કરવાનો રહેશે, તેવું ભુજના મામલતદારે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer