કોરોના સામે નિષ્ણાતોની કેન્દ્રસ્થ ટીમ તૈયાર

કોરોના સામે નિષ્ણાતોની કેન્દ્રસ્થ ટીમ તૈયાર
ભુજ, તા. 2 : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં વિશ્વ સમસ્તને પડકારતા કોરોના સામેનો જંગ કચ્છમાં સુવ્યવસ્થિત અને મેડિકલ સાયન્સની સંરચના આધારે લડી શકાય એ માટે ચાર નિષ્ણાત તબીબોની એક તાલીમબદ્ધ કેન્દ્રસ્થ ટીમ (કોરટીમ) તૈયાર કરવામાં આવી છે અને આ ટીમ કચ્છ જિલ્લાના તબીબો અને સહ તબીબી (પેરામેડિકલ) સ્ટાફને પણ તૈયાર કરશે. આ ચાર ટ્રેઈનર્સના જી.કે. જનરલ હોસ્પિટલમાં માઈક્રો બાયોલોજીસ્ટ ડો. હિતેષ આસુદાની, ફિઝિશિયન ડો. હનીફ અબડા, ઇન્ફેકશન કંટ્રોલ નર્સ દર્શન પટેલ અને વંદન વિશ્વકર્માનો સમાવેશ થાય છે. ભુજના આ ચારેય માસ્ટર ટ્રેઈનરની રચના માટે તથા તેમને કોરોનાની અને તેની આનુષંગિક સમજની તાલીમ આપવા રાજકોટના અને રાજ્યકક્ષાએ અમદાવાદ અને તાલીમ પામેલા ડો. આરતી ત્રિવેદી અને ડો. બ્રીજ તેલીએ ખાસ તાલીમ આપી હતી. અને આ પ્રસંગે અન્ય તબીબોને પણ માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમ કોલેજના કોન્ફરન્સમાં યોજાઈ હતી. ભારત અત્યારે લોકલ ટ્રાન્સમિશન સ્ટેજમાં હોવાથી આ તાલીમનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. તાલીમ દરમિયાન કોરોના વાયરસ સામે પ્રારંભથી કોરોનાગ્રસ્ત દર્દી સાજો થાય ત્યાં સુધી લેવાની થતી તમામ કાળજી ઉપર પ્રત્યક્ષ જ્ઞાન આપવામાં આવ્યું હતું. જેમાં દર્દી દાખલ થાય ત્યારે વોર્ડમાં રાખવાની પદ્ધતિ, માસ અને પી.પી.ઈ. (પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ) કેમ પહેરવું, હાથ કેવી રીતે ધોવા અને દર્દી આઈ.સી.યુ.માં હોય ત્યારે કેમ સારવાર કરવી વિગેરે સમજાવવામાં આવ્યું હતું. દર્દીની સંભાળ સાથે સફાઈ પણ આવશ્યક હોવાથી સ્વચ્છતા તથા કોરોના માટે તૈયાર થયેલા ખાસ વોર્ડમાં નર્સને લેવાની થતી સંભાળ અંગે પણ સુચારુ જ્ઞાન આપવામાં આવ્યું હતું. કચ્છના સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચના સહકારથી અને તેમની ઉપસ્થિતિમાં યોજાયેલી આ તાલીમમાં જી.કે ઉપરાંત કચ્છના સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અને સહ તબીબી કર્મચારીઓએ હાજર રહી તાલીમ મેળવી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer