મારી મમ્મીનો ફોન આવે તો કે''જો, મને ઘરે જવું છે !

મારી મમ્મીનો ફોન આવે તો કે''જો, મને ઘરે જવું છે !
ઘનશ્યામ મજીઠિયા દ્વારા-  રાપર, તા. 2 : ચાર કે પાંચ વ્યક્તિનો પરિવાર હોય અને કર્ફ્યુ કે લોકડાઉન જેવી પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે લોકો હક્કા-બક્કા બની જતા હોય છે. ભવિષ્યનો ઉચાટ કોરી ખાતો હોય છે. ત્યારે ચાલીસ-ચાલીસ માનવજીવો અને એ પણ શારીરિક-માનસિક વિકલાંગોને કોઈ સ્થાયી ફંડ વગર સાચવીને સવાર-સાંજ ખવડાવતા-પીવડાવતા અને દવા-દારૂ કરતા તેના સંચાલકની માનસિક હાલત કેવી હશે એ તો ત્યાં જઈને જોયું ત્યારે ખબર પડી. રાપરની ભાગોળે જ આવેલ ગ્રામ્ય સેવા-સંગઠન નામની શારીરિક-માનસિક દિવ્યાંગોને સાચવતી સંસ્થાની આજે કચ્છમિત્રએ મુલાકાત લેતાં કેટલીક એવી બાબતો ધ્યાને આવી જે જોતાં-સાંભળતાં ભલભલાની આંખો ભીંજાઈ જાય. તેના સંચાલક શૈલેશભાઈ કોઠારીને પૂછ્યું કે સરકારે શાળા-કોલેજો, હોસ્ટેલો અને સંસ્થાઓને બંધ કરવાનું કહ્યું તો તમે કેમ બંધ ન કરી ? ત્યારે તેમણે જવાબ આપ્યો   કે, આ સંસ્થામાં રહેતા ઘણાંખરા તો ઘરબાર વગરના જ છે. એમને સંસ્થામાંથી ક્યાં કાઢી મૂકવા ? બીજાના વાલીઓને ફોન કરી કહેતાં આવા લોકડાઉનમાં આવા અસ્થિરોને ક્યાં સાચવવા એવું કહી કોઈ લેવા માટે ફરક્યું જ  નહીં ! તો કોઈએ ફોન કરીને જ હાલહવાલ પૂછી લીધા. આવા એકતાલીસમાંથી માત્ર એકને લેવા આવ્યા, બાકીના ચાલીસે ચાલીસ સંસ્થાએ સાચવ્યા છે. સંસ્થા પાસે કોઈ કાયમી ભંડોળ નથી. અત્યારે સંસ્થા લોકોની લોન ઉપર ચાલતી હોવાનું શૈલેશભાઈએ કહ્યું. આવા લોકડાઉનમાં પણ માનસિક દિવ્યાંગો કાંઈ ન સમજતાં હોવાથી બહાર ન નીકળી જાય અને કોઈ બહારનો માણસ અંદર ન આવે એટલા માટે મેઈન ગેટને લોકડાઉન કરી નાખવામાં આવ્યો છે. દૂધ બાજુની વાડીએથી લઈ આવીએ છીએ અને માત્ર શાકભાજી લેવા જ બહાર એક માણસ જાય છે. બાકી આવાગમન બિલકુલ બંધ. જેમને બહારની દવા ચાલુ છે તેમને દવાની ખૂબ તકલીફ પડી રહી છે. કારણ કે દવાઓ ભુજ અને પાટણ જ મળે છે. અમે બેઠા હતા ત્યારે જ કાળીતલાવડીના સરપંચ ધનજીભાઈ છેક ભુજથી દવાઓ લઈને સંસ્થામાં પોતાનું વાહન લઈને આપવા આવ્યા હતા ! બાકી રોજેરોજ તમામનું ટેમ્પરેચર માપવામાં આવે છે તો સાંજે બધાને ફરજિયાત હળદરવાળું દૂધ પીવડાવવામાં આવે છે. નગરપાલિકાએ આખી સંસ્થામાં ફોગિંગ કરી આપ્યું છે. તો આવા કપરા કાળમાં પણ આ સંસ્થાના દિવ્યાંગોએ નગરપાલિકાને રો-મટિરિયલમાંથી ફેસ માસ્ક વિનામૂલ્યે બનાવી આપ્યા છે. અમુક સામાજિક સંસ્થાઓને પણ આવા માસ્ક વિનામૂલ્યે બનાવી આપ્યા હોવાનું સંચાલકે જણાવ્યું હતું. ગામમાંથી સંસ્થામાં આવતા કર્મચારીઓને ના પાડી દીધી છે. બાકીના નવ કર્મચારીઓ તેમના પરિવાર સાથે આ સંસ્થાના ક્વાર્ટરમાં જ રહે છે. એક સુરેશ નામનો દિવ્યાંગ ભાઈ થોડી થોડી વારે આવીને પૂછી જતો હતો કે `ફોન આવ્યો ?' તો એક જિજ્ઞેશ અવારનવાર `મમ્મી'નું રટણ કરી રહ્યો હતો. શૈલેશભાઈએ કહ્યું કે સામાન્ય રીતે આ સમય વેકેશનનો રહેતો હોવાથી અમુક દિવ્યાંગો તેમના ઘરે જતા હોય છે, પરંતુ આ સમયમાં આવા લોકોને ઘરે જવાનું ન મળવાથી તેમને ઘર, મા-બાપ યાદ આવતા હોય છે. માનસિક દિવ્યાંગ બિચારા કરી પણ શું શકે ? ઘરે જાય તો બોજારૂપ બને છે, એવી સમજણ એમને ક્યાંથી હોય ? સંસ્થાના ખર્ચ વિશે પૂછતાં જણાવ્યું કે, સંસ્થાનો મહિનાનો ખર્ચ દોઢથી પોણા બે લાખ રૂપિયાનો છે. કાયમી નિભાવ ફંડ કાંઈ છે નહીં કે નથી કોઈ સરકારી ગ્રાન્ટ કે સહાય મળતી. માત્ર દાન આપતા દાતાઓ આધારિત આ સંસ્થા હાલમાં હાંફી રહી છે, તો કોરોનાના ડરથી પારેવાની માફક ફફડી પણ રહી છે. હજુ સુધી કોઈ સેવાભાવી સંસ્થાનું કે સરકારી તંત્રનું ધ્યાન પણ ગયું નથી. અત્યારે સંસ્થાના જ દિવ્યાંગો રસોઈ બનાવે છે અને ખાય છે. સંસ્થાના સંચાલક અને માનદ્મંત્રી શૈલેશભાઈ કોઠારીનો મોબાઈલ અને વોટ્સએપ નંબર 99984 50060 છે અને સંસ્થાના હિતેચ્છુ અને ગયા વર્ષના દાતા અને મુંબઈના પ્રવીણભાઈ ગાલા કે જેમનો મુંબઈના દાતાઓ સંપર્ક કરી શકે એવા પ્રવીણભાઈનો મોબાઈલ નંબર 98213 25259 છે. આશા રાખીએ આ સંસ્થાની મદદે સેવાભાવી સંસ્થાઓ અને સરકારી તંત્ર આવે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer