નકલી પોલીસ બની વિથોણના યુવાને ફોટા પાડી વાયરલ કર્યા

નકલી પોલીસ બની વિથોણના યુવાને ફોટા પાડી વાયરલ કર્યા
ભુજ, તા. 2 : નખત્રાણા તાલુકાની લાખિયારવીરા પાસેની કંપનીમાં પોતે નખત્રાણા પોલીસ મથકેથી આવે છે અને મજૂરોનો સર્વે કરવો છે. ત્યારબાદ મજૂરોના ફોટા પાડી વોટ્સએપ પર વાયરલ કરી લોકોમાં ભય તથા ઉશ્કેરાટ ઊભો કરવા  બાબતે વિથોણના યુવાનની પોલીસે ધરપકડ કરી છે. આ સમગ્ર કિસ્સાની વિગત મુજબ હાલ જાહેરનામાના પગલે લોકડાઉન અમલમાં છે અને લાખિયારવીરા ગામ પાસે આવેલી કે.પી. એનર્જી લિ. કંપનીનું તમામ પ્રકારનું કામ બંધ હોવા છતાં આ કંપની તરફથી લોકડાઉનનો અમલ થતો નથી તેવી હકીકત ઊભી કરવા અર્થે વિથોણના 21 વર્ષીય વિકાસ દિનેશભાઈ જોશી ગઈકાલે સવારે કંપનીમાં જઈ પોતે નખત્રાણા પોલીસ મથકેથી આવે છે અને મજૂરોનો સર્વે કરવા આવ્યા હોવાનું જણાવી મજૂરોને તંબુ પાસે લઈ જઈ ફોટા પાડયા હતા. આ ફોટા તેણે વોટ્સએપના માધ્યમથી વાયરલ કર્યા હતા. પોલીસ સમક્ષ આ વિગતો આવતાં નખત્રાણા પોલીસ મથકના પીએસઆઈ જે.કે. રાઠોડે તપાસ આદરી આ કામના આરોપી વિકાસ જોશીની અટક કરી વિવિધ કલમો તળે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. દરમ્યાન આ ફોટા પાડવા માટે વિકાસને ઈકબાલ આદમ ઘાંચી (રહે. મોટા અંગિયા), રતિલાલ પ્રેમજીભાઈ ખેતાણી (રહે. વિથોણ)એ કહ્યું હોવાનું ખુલ્યું હતું અને આ ફોટા વિકાસે તેઓને પણ વોટ્સએપમાં મોકલ્યા હતા. ઈકબાલે આવેલા ફોટા નખત્રાણા રહેતા સુરેશદાન શંભુદાન ગઢવીને વાયરલ કર્યા હતા. પોલીસે આ બધા આરોપીઓ વિરુદ્ધ મદદગારીના ગુના સબબ કાર્યવાહી કરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer