ઘરે ડિલિવરીનો પ્રસંગ છતાં ભદ્રેશ્વરના પી.એસ.આઈ.એ ડયૂટીને અગ્રતા આપી

ઘરે ડિલિવરીનો પ્રસંગ છતાં ભદ્રેશ્વરના પી.એસ.આઈ.એ ડયૂટીને અગ્રતા આપી
ભુજ, તા. 2 : કોરોનાની મહામારી વચ્ચે અત્યારે કાયદો અને વ્યવસ્થાના મુદ્દે સૌથી વધુ જેના પર ભારણ છે તેવા પોલીસ તંત્રમાં કર્તવ્યનિષ્ઠ અધિકારીની સરાહના થઈ રહી છે. પશ્ચિમ કચ્છના જખૌ મરિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલમાં મુંદરા મરિન પોલીસ હેઠળ ભદ્રેશ્વર ચેકપોસ્ટ પર ફરજ બજાવી રહેલા પી.એસ.આઈ. એ.એન. પ્રજાપતિને અચાનક તેમના વતન વડોદરાથી તેમના ભાઈનો કોલ આવ્યો કે, તેમના ઘેર પુત્રરત્નનું પારણું બંધાયું છે. શ્રી પ્રજાપતિના પિતાનું 20 વર્ષ પૂર્વે અને માતાનું 5 વર્ષ પૂર્વે નિધન થયું છે, ત્યારે તેમના પત્નીની સારસંભાળ રાખવા ફક્ત 7 વર્ષનો નાનો પુત્ર જ ઘેર છે. આ બધા સંજોગો વચ્ચે પણ તેમણે ડિલિવરી નજીક હોવા છતાં રજા ન રાખીને ડયૂટીને પ્રાધાન્ય આપ્યું હતું. તેમના સ્ટાફે અને પરિચિતોએ ફરજનિષ્ઠાને સલામ કરી હતી. વડોદરા ખાતે તેમના પત્ની અને પુત્ર બંને સ્વસ્થ છે. `રામનવમી'ના જ પારણું બંધાતાં તેમના પરિવારની ખુશીનો પાર નથી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer