પૂર્વ કચ્છમાં 11થી 5 સુધી કોઈ બહાર ન જજો

પૂર્વ કચ્છમાં 11થી 5 સુધી કોઈ બહાર ન જજો
ગાંધીધામ, તા. 2 : લોકડાઉન વચ્ચે આ સંકુલમાં લોકોની અવરજવર વધુ દેખાતાં મુખ્યમંત્રીના ઠપકા બાદ આજથી પૂર્વ કચ્છમાં 11થી 5 દરમ્યાન કોઈએ બહાર ન નીકળવા પોલીસે જણાવ્યું હતું. તેમાંય આ સંકુલમાં સી.સી.ટી.વી.માં ન આવે તેવા માર્ગો પરથી લોકોને જવા દેવાતા હતા, તો અંજારમાં પણ કડક હાથે કામ લેવામાં આવ્યું હતું.  સમગ્ર દેશની સાથે હંમેશાં દોડતા રહેતા આ સંકુલમાં પણ લોકડાઉન છે, પરંતુ તેમ છતાં અનેક લોકો કામના બહાના બતાવીને માર્ગો ઉપર નીકળી પડતા હતા, જેના કારણે અહીં લોકડાઉન ન હોય તેવું લાગતું હતું. દરમ્યાન આ બધું ગાંધીનગરમાં સી.સી.ટી.વી.ના માધ્યમથી જોતાં મુખ્યમંત્રીએ પૂર્વ કચ્છ પોલીસને ઠપકો આપ્યો હતો અને માનવીય કામગીરી અંગે સરાહના પણ કરી હતી.દરમ્યાન આજથી પોલીસ કડક બની હતી અને સવારે 11થી સાંજે પાંચ દરમ્યાન કોઈએ પણ નીકળવું નહીં તેવું જણાવાયું હતું. માત્ર મેડિકલ ઈમરજન્સીવાળા લોકોએ જ માર્ગ ઉપર આવવું બાકીનાએ નીકળવું નહીં. અન્ય અગત્યના કામ હોય તો સવારે 11 પહેલાં અને સાંજે પાંચ પછી પતાવવા તેમ આજે પોલીસ લોકોને જણાવી રહી હતી. તેમજ ખૂબ જ અગત્યના કામથી જતાં લોકોને સર્વિસ રોડ ઉપર વાળવામાં આવતા હતા. આવી જ રીતે અંજારમાં પણ કડક વલણ પોલીસે અપનાવ્યો હતો. અહીં નાયબ પોલીસવડા ગંગાનાકા, દેવળિયા નાકા, ચિત્રકુટ સર્કલ વગેરે જગ્યાએ ફર્યા હતા અને કામ વગર નીકળતા લોકો વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા હતા.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer