લખપત તા.માં ખોટા સર્વેથી અનેક ગરીબ અનાજથી વંચિત

લખપત તા.માં ખોટા સર્વેથી અનેક ગરીબ અનાજથી વંચિત
દયાપર (તા. લખપત), તા. 2 : કોરોના વાયરસના લોકડાઉન વચ્ચે જ્યારે સરકાર દ્વારા સસ્તા ભાવ અનાજનું નિ:શુલ્ક વિતરણ ગરીબો માટે ચાલુ કરાયું છે, ત્યારે આજે અચાનક રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે દયાપર ખાતે સસ્તા અનાજની દુકાનમાં વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. અગાઉ આ તાલુકામાં થયેલા ખોટા સર્વે થકી અનેક ગરીબ પરિવારો અનાજથી વંચિત રહી ગયા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. બી.પી.એલ. લાભાર્થીઓને મફત અપાતા રાશન અંગેની જાહેરાત તેમજ અન્ય ગરીબ પરિવારોને પણ મફત રાશન મળશે તેવી જાહેરાત થયા પછી ઘણા લોકો આ પરિપત્રનો અર્થ કાઢી શક્યા નથી અને રાશન માટે લાઈનમાં ઊભા રહી જાય છે. કચ્છમાં પરિસ્થિતિ મોટા ભાગે એક સરખી છે, ત્યારે આ બાબતે કચ્છમિત્ર દ્વારા રાજ્યમંત્રીને પૂછાયેલા આ પ્રશ્ન બાબતે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ જથ્થો એન.એફ.એસ.એ. કાર્ડધારકો માટે જ છે. રાજ્યના 8.07 લાખ અંત્યોદય કાર્ડધારકો, 57.33 લાખ અગ્રતા ધરાવતા કુટુંબો કુલ 65.40 લાખ થાય છે, પરંતુ 4 એપ્રિલથી અન્ન બ્રહ્મ યોજના હેઠળ ગરીબ નિરાધાર જેમની વાર્ષિક આવક 1.20 લાખથી ઓછી હોય, કુટુંબ વિહોણા વિગેરેને પુરવઠાનું વિતરણ ચાલુ કરાશે અને તેની ખાસ સમીક્ષા-નિરીક્ષણ માટે પોતે જાતે જ આવ્યા છે તેવું કહ્યું હતું. રાજ્યમંત્રી વાસણભાઈ આહીરને લખપત તાલુકા પાટીદાર સમાજના પ્રેમજીભાઈ પટેલ હસ્તે 1 લાખ, તાલુકા સરપંચ સંગઠન દ્વારા 1 લાખ, લખપત તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા પ્રમુખ જેતમાલજી જાડેજા હસ્તક 51 હજાર એમ કુલ અઢી લાખ મુખ્યમંત્રી રાહત ફંડ માટે ચેક અર્પણ કરાયા હતા.દયાપર વેપારી મિત્રોના સહયોગથી જીવદયા મિત્ર મંડળ દ્વારા જરૂરતમંદોને અપાતી રાશન કિટની માહિતી અપાઈ હતી. જીવદયા મિત્ર મંડળના પ્રમુખ પુનિત ગોસ્વામી, દયાપર સરપંચ ભવાનભાઈ પટેલ, રાજુભાઈ સરદાર, વિક્રમસિંહ સોઢા, રવજીભાઈ કોટક, જયેશદાન ગઢવી, સવાઈ પુરોહિત, તાલુકા ભાજપ પ્રમુખ વેરસલજી દાદા વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ સાંયરા, અટડા, ગુનેરી વિસ્તારના ગરીબ માણસોને રાશનની દુકાનમાંથી સરકારની યોજનાનો લાભ મળતો નથી. એક બાજુ સરકાર ગરીબોને મફત રાશન આપવાની વાત કરે છે, ત્યારે આવા ગરીબ પરિવારોને આ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનોમાંથી મફત રાશન પ્રાપ્ત થતું નથી તેવું ગુનેરી જૂથ ગ્રા.પં.ના ઉપસરપંચ જશુભા ગોમાજી જાડેજાએ જણાવ્યું હતું.  આ બાબતે મામલતદાર શ્રી સોલંકીનો સંપર્ક કરતાં તેમણે આ બાબતે સ્પષ્ટતા કરી હતી કે, ગરીબ પરિવાર એટલે જેમનું ઘર કે પ્લોટ ન હોય, વાર્ષિક 1 લાખ 20 હજારથી ઓછી આવક હોય તેમને જ મફત રાશન મળશે. વર્ષ 2013માં સરકાર દ્વારા ગુપ્ત સર્વે કરાયો છે, જેમાં મોટા ભાગના લોકોના રાશનકાર્ડ આ યોજનાથી બાકાત કરી દેવાયાં છે.  માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ પિયત જમીન પાંચ એકર કે વધુ હોય, સરપંચ હોય, ઘર હોય, વાહન હોય તેવા મોટા ભાગના પરિવારો સુખી હોવાનું નક્કી કરી રદ કરાયાં છે. ખરેખર વર્ષ 2011માં શરૂ થયેલા ગુપ્ત સર્વેના કામ માટે એ.આઈ.સી.સી. હેઠળ ખાનગી ઠેકેદાર દ્વારા કોન્ટ્રેક્ટ બેઝ પર લોકોને રખાયા હતા. આ કોન્ટ્રેક્ટ બેઝ પર રાખેલા કર્મચારીઓ ઘણા ઓળખાણ કે લાગવગિયાઓના કહેવા પ્રમાણેનો ખોટો સર્વે કર્યો છે. બંગલામાં રહેનાર લોકો સસ્તા અનાજ માટે લાયકાત ધરાવે છે, જ્યારે ખરેખર ગરીબો તેનાથી વંચિત રહી ગયા છે. આ સર્વે કરનારા કોન્ટ્રેક્ટરની તપાસ કરાય તો મોટું કૌભાંડ નીકળે તેમ છે, તેવું સૂત્રો કહી રહ્યા છે. ખરેખર ગરીબોને બાકાત કરી શેઠ, શાહુકાર કે ગાડી-બંગલા ધરાવતા લોકોનાં નામ હજુ કેમ આવી પાત્રતામાં આવે છે તેની તપાસ થવી જોઈએ અને ખાનગી ઠેકેદારના જવાબદાર હંગામી કર્મચારીઓની જવાબદારી તપાસી કાર્યવાહી કરવી જોઈએ.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer