રૂા.213ની સહાય માટે અસંગઠિત કામદારો ફોર્મ ભરવા ઊમટયા

રૂા.213ની સહાય માટે અસંગઠિત કામદારો ફોર્મ ભરવા ઊમટયા
ભુજ, તા. 2 : લોકબંધીના કારણે કચ્છ સહિત સમગ્ર દેશમાં તમામ વ્યવહાર બંધ છે એવા સંગોજોમાં સૌથી મોટી આર્થિક અસર નાના અસંગઠિત ધંધાર્થીઓને થવાની હોવાથી સરકારે આવા લોકોને રોજના રૂા. 213 આપવાનું જાહેર કર્યું હોવાથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ગ્રામ પંચાયત કે નગરપાલિકા કચેરીઓમાં ફોર્મ ભરવાનો જમાવડો થતો હોવાનું બહાર આવ્યું છે. ગ્રામ્ય કે શહરી વિસ્તારમાં કાચી-પાકી કેબિન, ચાની લારી, પાનના ગલ્લા આવા અસંગઠિત શ્રીમજીવીઓને દૈનિક સહાય આપવાની ચર્ચાએ તો ભારેકરી છે. ગામડાની ગ્રામ પંચાયત કચેરીમાં ફોર્મ લેવા અને ભરીને પરત આપવા લોકોનાં ટોળાં ઊતરી રહ્યાં છે. એકબાજુ કોરોનાની મહામારીના પગલે ચાર જણને ભેગા થવાની મનાઇ છે ત્યાં અનેક લોકો આવા ફોર્મ માટે પંચાયત કચેરી તરફ વળતાં કોરોનાના લોકડાઉનનો જાણે છેદ ઊડી ગયો હોય તેવાં દૃશ્યો જોવાં મળતાં હતાં. આવો જ તાલ શહેરી વિસ્તારની નગરપાલિકા કચેરીઓમાં જોવા મળે છે. ખરેખર કયા પ્રકારના ધંધાર્થીઓને સહાય આપવામાં આવશે તેવી જિલ્લાના કોઇ પણ તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી નથી. ખરેખર સહાય મળશે કે નહીં એ હજુ નક્કી નથી. કારણ કે માત્ર જાહેરાતો થવાની સાથે જ ફોર્મ પણ ભરાવવા માંડયા છે ત્યારે અનેક લોકોએ આ યોજના સામે સવાલો ઉઠાવ્યા હતા. જ્યાં લોકડાઉન છે ત્યાં મોટી સંખ્યામાં આવતા લોકોના ફોર્મ લેવાની પણ એક માર્ગદર્શિકા જાહેર કરવી જોઇએ જે કરવામાં આવી નથી. ગ્રામ્ય કક્ષાએ સૂત્રોએ જણાવ્યું હતું કે, રૂા. 213 મળવાના છે એમ ચલાવીને એજન્ટો સક્રિય થઇ ચૂક્યા છે. એક-એક ફોર્મના 50 રૂપિયા લઇને ફોર્મના થપ્પા એકત્ર કરી ગયા છે. અથવા તો એક પાનામાં ગામના લોકોની યાદી બનાવવાનું કામ પણ આવા એજન્ટોએ શરૂ કરી નાખ્યું છે. જે લોકોના કોઇ ધંધા કે વેપાર નથી છતાં એવા લોકોની લાંબી યાદી તૈયાર કરી આધારકાર્ડ જોડી દરેક ગ્રામ પંચાયતોમાં અરજીપત્રકના થપ્પા લઇને અપાતા હોવાની ફરિયાદ ઊઠી છે.કચ્છમાં ધરતીકંપ અને અછત દરમ્યાન આચરવામાં આવેલી ગેરરીતિના કિસ્સા સૌને યાદ છે. સહાયના નામે ફૂટી નીકળતા એજન્ટો પણ ક્યાંક સરકારી કર્મચારઓની મિલીભગતથી ફાવી ન જાય તે જોવા પણ ઇશારો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે એક 3500ની વસ્તીવાળા નાનકડા ગામમાં ચારસોથી વધુ આવા ધંધાર્થીઓના ફોર્મ ભરવામાં આવ્યા છે. જો એક ગામમાં ચારસો લોકો ધંધો કરતા હોય તો રોજગારી કેવી મોટી હશે એ પણ પ્રશ્નાર્થ થયો હતો. જો કે આ બાબતે કચ્છના જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, વાત સાચી છે. ગ્રામ પંચાયતમાં આ સહાયના નામે લોકોનાં ટોળાં એકત્ર થઇ રહ્યાં છે એ ખોટું છે. તેમણે તાત્કાલિક અસરથી તમામ તાલુકા વિકાસ અધિકારીઓને સૂચના આપી કે રૂબરૂમાં અરજી પત્રક લેવાનું બંધ કરીને વોટ્સએપથી લેવાનું ચાલુ કરો. જ્યારે બીજીબાજુ સોશિયલ મીડિયા પર વહેતા થયેલા એક પરિપત્રમાં અસંગઠિત કામદારો તથા ઓટોરિક્ષા ચાલકોને સહાય આપવાની મોજણીનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ફરી રહેલા આ પરિપત્રમાં જણાવાયું હતું કે, જીજીજીએ 65 લાખ ફૂડ સિક્યુરિટી રેશનકાર્ડ ધારકોને 650 કરોડના પેકેજની જાહેરાત કરી છે. તેથી એક સર્વેક્ષણ દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારો અથવા ઓટોરિક્ષાચાલકોને ઓળખવાની જરૂર નથી. વિકાસ કમિશનર અને પરિવહન કમિશનર દ્વારા અપાયેલી પ્રારંભિક સૂચનાઓ પરત ખેંચી લેવામાં આવી છે અને પરિપત્ર કરાયું અને ફોર્મ રદ કરાવામાં આવ્યું તેથી કોઇ સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે નહીં. કોઇ ફોર્મ ફરશે નહીં. કોઇ ફોર્મ એકત્રિત કરવામાં આવશે નહીં. સર્વે રદ કરાયો છે. મુખ્યમંત્રીના આ પેકેજની જાહેરાત સાથે સર્વેક્ષણનો મુદ્દો સમાપ્ત થાય છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer