સંપૂર્ણ રીતે સજ્જ છતાં ગઢશીશા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાડા ત્રણ વર્ષથી ઉદ્ઘાટનની રાહમાં

સંપૂર્ણ રીતે સજ્જ છતાં ગઢશીશા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાડા ત્રણ વર્ષથી ઉદ્ઘાટનની રાહમાં
ગઢશીશા (તા. માંડવી), તા. 2 : હાલમાં જ્યારે કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વભરમાં હાહાકાર મચ્યો છે. પરંતુ સતર્કતના કારણે કચ્છમાં હજુ સુધી સ્થિતિ કાબૂમાં છે ત્યારે લોકોને નાની-મોટી તમામ બીમારીમાં ગઢશીશા ખાતે સ્થાનિકે જ સારી સુવિધા ઉપલબ્ધ બને તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબદીલ કરાયું છે. સમગ્ર કાર્ય પૂર્ણ થઈ ગયું હોવા છતાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી હજુ પણ હોસ્પિટલ ઉદ્ઘાટનની રાહમાં છે. લોકો માટે કાયદેસર શરૂ ન થતાં લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ત્યારે આ વિસ્તારના જિ.પં. સદસ્ય નરેશભાઈ મહેશ્વરી, પૂર્વ સદસ્ય કેશુભાઈ પારસિયા, તા.પં. સદસ્યો કેશવજીભાઈ રોશિયા, અવનીબેન ભગત, નારાણભાઈ ચૌહાણ, ચંદુભાઈ વાડિયા, જિજ્ઞેશ આચાર્યએ સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ તમામ સુવિધાની માહિતી મેળવી હતી. ડો. મદનજીપ્રસાદ તથા અશ્વિનભાઈ પટેલ દ્વારા વિવિધ સુવિધાથી માહિતગાર કરાયા હતા. તમામ સુવિધાથી સજ્જ આધુનિક હોસ્પિટલને હજુ પણ ખૂલી નહીં મુકાતાં મુલાકાત દરમ્યાન તમામ આગેવાનોએ કોરોનાની મહામારી હળવી થાય તો તરત જ ઉપલીકક્ષાએ રજૂઆત કરી લોકો માટે સી.એચ.સી. ખુલ્લુ મૂકવા ચર્ચા સાથે જો વર્તમાન સમયમાં જરૂર પડશે તો તેનો ઉપયોગ કરવા પણ જણાવ્યું હતું. વર્તમાન સમયમાં સ્થાનિકે માસ્ક તથા અન્ય જરૂરી સામગ્રી પણ આરોગ્ય કેન્દ્ર ખાતે પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે યોગ્ય કરવા જણાવ્યું હતું. આરોગ્ય કેન્દ્ર શરૂ થાય તો પંથકના અનેક નાના-મોટા ગામડાઓને સ્થાનિક બીમારીમાં સમય યોગ્ય સારવાર મળી રહે તેથી સત્વરે આ અંગે તંત્ર જાગૃત બને તેવી માગણી કરવામાં આવી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer