કચ્છમાં સેવાની સરવાણીનો દોર અવિરત

કચ્છમાં સેવાની સરવાણીનો દોર અવિરત
ભુજ, તા. 2 : કોરોનાની વૈશ્વિક મહામારી સામે બાથ ભીડવા માટે સરકારે જારી કરેલા લોકડાઉન વચ્ચે શ્રમજીવી પરિવારો તેમજ અન્યો માટે સેવાની સરવાણીનો દોર અવિરત જારી રહ્યો છે. સત્યમ પંડિત શ્યામજી કૃષ્ણવર્માની 88મી પુણ્યતિથિ નિમિત્તે સત્યમ, લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ તેમજ ભાનુશાલી યુવક મંડળ દ્વારા ગરીબ પરિવારોને ફૂડ પેકેટ વિતરીત કરાયા હતા. અરવિંદ માવ, ઘનશ્યામ નંદા, હિંમત દામા, દર્શક અંતાણી, હેમેન્દ્ર જણસારી સહિત જોડાયા હતા. દાતાઓનો સહયોગ મળ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળે ભુજના નટવાસમાં 183 પરિવારને રાશનકિટ, તો 500 લોકોને માસ્ક વિતરીત કર્યા હતા. પ્રબોધ મુનવર, રફીક બાવા સહિતના સહયોગી બન્યા હતા. પુત્રની યાદમાં જરૂરતમંદોને સહાય ભુજ સુધરાઈના મેલેરિયા શાખામાં ફરજ બજાવતા રાજેશભાઈ જેઠીએ તેમના પુત્ર સ્વ. કરણ (નાનુ)ની દ્વિતીય વાર્ષિક શ્રદ્ધાંજલિ નિમિત્તે સત્યમ સંસ્થા, લોક સાર્વજનિક સેવા ટ્રસ્ટ, ગંજાનંદ યુવક મંડળ (આરટીઓ)ના માધ્યમથી કોરોના વાયરસની સ્થિતિ ધ્યાને લઈ સમાજસેવા કરવા ગરીબ અને મધ્યમવર્ગને નિ:શુલ્ક શાકભાજીનું વિતરણ કર્યું હતું. પશુઓને ઘાસ નીરવામાં આવ્યું હતું. મયૂરસિંહ જાડેજાએ વ્યવસ્થા સંભાળી હતી. રામરોટી છાશ કેન્દ્ર માનવસેવા અને જીવદયા ક્ષેત્રે કચ્છભરમાં જાણીતી સંસ્થા રામરોટી છાશ કેન્દ્ર અને અન્નક્ષેત્ર દ્વારા લોકડાઉન દરમ્યાન ગરીબ ઉપરાંત મધ્યમવર્ગીય પરિવારોની સેવાનું અભિયાન અવિરત ચાલી રહ્યું છે. આજે પણ કાયદા અનુસાર સામાજિક અંતર જાળવીને દરરોજ 300 લોકોને ભોજન અપાય છે, તો મધ્યમવર્ગીય પરિવારોને અનાજકિટ, શાકભાજી ઉપરાંત ત્રણથી ચાર સંસ્થાના માધ્યમથી દરરોજ ગરમ નાસ્તાનું વિતરણ કરાય છે. આ પ્રવૃત્તિ ટ્રસ્ટી લીલાધરભાઈ પ્રાગજીભાઈ ઠક્કર (શેઠિયા), શાંતિલાલભાઈ કે. ઠક્કર, હિંમતલાલ બી. ઠક્કર, વિનોદભાઈ ડી. ઠક્કર, રમણભાઈ ચૌહાણ, ડાહ્યાલાલભાઈ ચૌહાણ, શિવગણભાઈ ચૌહાણ તો રામરોટી કેન્દ્રના સેવક પરેશભાઈ અનમ, ભરતભાઈ બી. મહેશ્વરી, મનોજભાઈ મહેતા સહયોગી બની રહ્યા છે. માધાપર નવાવાસ ગ્રા. પંચાયતના ઉપસરપંચ અરજણ ભુડિયા, જયંત માધાપરિયાએ દાતા વિનોદભાઈ સોલંકી, મનોજભાઈ સોલંકી, પટેલ જ્ઞાતિ મંડળના સહયોગથી 1000 રાશનકિટનું વિતરણ કર્યું હતું. સ્વયંસેવકોએ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી.સુખપર રાષ્ટ્ર સેવિકા સમિતિ એ 1500 જેટલા માસ્કનું વિતરણ કર્યું હતું. સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનો તેમજ સીવણકામ કરતા 16 બહેનો આ કાર્યમાં સહયોગી બન્યાનું નગર કાર્યવાહિકા ક્રિષ્નાબેન ભુવાએ જણાવ્યું હતું. ગાંધીધામ ભારત વિકાસ પરિષદ  અગ્રવાલ સમાજ તેમજ આર.એસ.એસ. દ્વારા ગાંધીધામ, આદિપુર, કિડાણા વિસ્તારમાં 2500 રાશનકિટનું જરૂરતમંદ પરિવારોને વિતરણ કરાયું હતું. હજુ પણ આ સેવાયજ્ઞને અવિરત જારી રાખવામાં આવશે.ભુજ તાલુકાના મેઘપર ખાતે 2500 જેટલા સેફ્ટી માસ્કનું સ્થાનિક સ્વયંસેવકો દ્વારા ઘરોઘર વિતરણ કરવામાં આવ્યું હતું. ગાંધીધામ જાયન્ટ્સ ગ્રુપ  (ઓસ્લો) ગ્રુપ દ્વારા ગાંધીધામ-આદિપુરના 500 પોલીસ જવાનો તેમજ અન્યોને હાથનાં મોજાં, સેનિટાઈઝર, માસ્કનું વિતરણ કરાયું હતું. ગ્રુપના પ્રમુખ ડો. કાજલ નિમાવત, પ્રદીપભાઈ, સમીર નિમાવત સહયોગી રહ્યા હતા. તો ગ્રુપના જ માધ્યમથી 200 જેટલા ફૂડ પેકેટ પણ પહોંચતા કરાયા હતા. આ જવાબદારી હેતલબેન ઓઝાએ સંભાળી હતી.નવી દુધઈમાં લોહાણા મહાજને 20 રાશનકિટ તૈયાર કરી દુધઈના પી.એસ.આઈ. માનરાણાને સુપરત કરી હતી. દુધઈ પોલીસ સ્ટાફે ટપ્પરના સિનિયર સિટીઝન તેમજ અન્યોને આ કિટ આપી હતી. માંડવીમાં ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની સૂચનાથી શહેર ભાજપે જરૂરતમંદોને રાશનકિટ વિતરીત કરી હતી. દેવાંગ દવે, મેહુલ શાહ, વિનુભાઈ થાનકી સહિત સહયોગી રહ્યા હતા. રાપરમાં ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ માસ્ક તેમજ આરોગ્યલક્ષી કિટ ગ્રામ્ય વિસ્તારમાં વિતરીત કરી હતી. તાલુકા-શહેર  કોંગ્રેસ  સમિતિના કાર્યકરોનો  સહયોગ  મળ્યો  હતો. ગોધરાના જૈન દાતા પરિવાર તરફથી મુંબઈ તેમજ પરામાં વસતા 27 પરિવારોને આર્થિક સહાય આપવામાં આવી હતી. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના અરવિંદ જોશીએ જણાવ્યું કે, 75 પરિવારોને રાશનકિટ પણ અપાઈ હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer