મેઘપર કુંભારડી : ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મામલતદાર દ્વારા રાશનકિટનું વિતરણ કરાયું

મેઘપર કુંભારડી : ઝૂંપડપટ્ટી વિસ્તારમાં મામલતદાર દ્વારા રાશનકિટનું વિતરણ કરાયું
ગાંધીધામ, તા. 2 : લોકડાઉનના પગલે શ્રમિકવર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે આદિપુર નજીક મેઘમાયા સોસાયટી પાસે આવેલી ઝૂંપડપટ્ટીના એક જાગૃત નાગરિકે આ અખબારનો સંપર્ક કર્યો હતો, જે અંગે તંત્રનું ધ્યાન દોરાતાં અંજાર મામલતદાર કચેરી દ્વારા આ વિસ્તારમાં રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.  ગાંધીધામ-આદિપુરમાં તથા તેની આસપાસ આવેલા અમુક ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહેતા શ્રમિકો લોકડાઉનનાં પગલે ભારે ભીંસમાં મુકાયા છે. આવા લોકોની અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ મદદ કરી રહી છે. તેમ છતાં અમુક લોકો હજુ બાકાત છે, જેમને રાશનકિટ વગેરે કાંઈ જ મળ્યું નથી. અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં અને આદિપુરની પછવાડે આવેલા મેઘમાયા સોસાયટી નજીકની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં હજુ અમુક લોકોને કોઈ જ પ્રકારની મદદ મળી નથી, તેવો ફોન એક જાગૃત નાગરિકે આ અખબારમાં કર્યો હતો. જે અંગે અંજાર મામલતદાર કચેરીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ગઈકાલે ફોન આવ્યા બાદ અંજાર મામલતદાર અફઝલ મંડોરી, નાયબ મામલતદાર વૈભવ વ્યાસ, દુધઈ સર્કલ ઓફિસર જિજ્ઞેશ ચૌધરી વગેરે આજે આ વિસ્તારમાં પહોંચી ગયા હતા. આ ટીમે આ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોનો સંપર્ક કર્યો હતો અને 25થી 30 લોકો જમી શકે તેટલી રાશનકિટ વિતરિત કરાઈ હતી. અહીં એક જાગૃત નાગરિક લોકોને જમાડતા હોવાથી આ કિટ તેમને અપાઈ હોવાનું મામલતદાર કચેરીમાંથી જાણવા મળ્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer