તબલીગી : મોબાઇલ ટાવરના આધારે યાદી

ભુજ, તા. 2 : કોરોના સામેના જંગમાં લોકડાઉનના સથવારે સફળતા મેળવવાના પ્રયાસોને દિલ્હીના તબલીગી જમાતના કાર્યક્રમે મોટો આંચકો આપ્યાના ગણતરીના કલાકોમાં દેશભરમાં આ કાર્યક્રમમાં હાજરી આપનારાની નામ અને સરનામા સાથેની યાદીના આધારે વ્યાપક શોધખોળ આરંભાઇ છે.  મોટા સમૂહે લોકડાઉનના નિયંત્રણોની ધરાર અવગણના કરી હોવા બાદ તેમના અગ્રણીઓ પાસેથી આ કાર્યક્રમમાં ભાગ લેનારની વિગતો મેળવવી અશક્ય બાબત હતી, પણ મોબાઇલ ટાવરના લોકેશનની મદદથી સચોટ યાદી તૈયાર થઇ રહી હોવાની નવતર વિગતો સામે આવી રહી છે. સત્તાવાર સંબંધિત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ કોરોના સામેના જંગમાં નિઝામુદ્દીન વિસ્તારના પ્રકરણે વિવિધ સરકારી તંત્રો અને સલામતી દળોમાં તાકીદનું સંકલન ઊભું કર્યું છે. આ સંદર્ભમાં સામાન્ય સંજોગોમાં કોઇ ગુનાના ડિટેક્શન માટે મોબાઇલ ફોનના લોકેશનની વિગતો ચાવીરૂપ ભૂમિકા ભજવતી હોય છે. તે ટેક્નોલોજીનો નિઝામુદ્દીન પ્રકરણમાં આબાદ ઉપયોગ શરૂ કરાયો છે. કોઇપણ વિસ્તારમાં મોબાઇલ ટાવર ત્યાં એક્ટિવ સેલ ફોનની નોંધ કરતાં હોય છે.  સલામતી એજન્સીઓ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે સક્ષમ   હોય છે. કોઇપણમોબાઇલ ફોનધારક ક્યાં અને ક્યારે હાજર હતો તે સરળતાથી શોધી શકાય છે. આવામાં નિઝામુદ્દીન વિસ્તારના મોબાઇલ ટાવરો પર એજન્સીઓએ તાકીદનું ધ્યાન કેન્દ્રિત કરીને તે વિસ્તારમાં એક્ટિવ સ્થાનિક અને બારાતુ મોબાઇલ ફોન નંબરોની યાદી તૈયાર કરી લીધી છે. આ મોબાઇલ નંબરોના આધારે તે વ્યક્તિનું નામ અને સરનામાં પણ સરળતાથી શોધી કઢાયાં છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ આ નામ અને સરનામાં રાજ્ય સ્તરે મોકલી આપ્યાં છે અને તેના આધારે સઘન તપાસ હાથ ધરાઇ છે.વર્તુળોના જણાવ્યા મુજબ શંકાસ્પદ કેસ ધરાવતી વ્યક્તિની મૂવમેન્ટને ટ્રેસ કરીને તેણે ક્યા વાહન કે ટ્રેન દ્વારા પ્રવાસ કર્યો હતો તે નક્કી કરીને સાથી પ્રવાસીઓની વિગતો પણ આ રીતે જ તૈયાર થાય એ માટે એજન્સીઓએ કમર કસી છે. આવનારા સમયમાં કોરોના સામેના જંગમાં છેક સ્થાનિક સ્તરે આ મોબાઇલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા તૈયારી થઇ રહી હોવાનું જાણવા મળી રહ્યંy છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer