નિઝામુદ્દીનની દરગાહે ગયેલા ભુજ અને માનકૂવાના યુવાન કોના-કોના સંપર્કમાં આવ્યા !

ભુજ, તા. 2 : કોરોના વાયરસની મહામારી વચ્ચે દિલ્હીના નિઝામુદ્દીનની ઘટના બાદ ત્યાં ગયેલા વ્યક્તિઓની ઓળખમાં ભુજ અને માનકૂવાના યુવાનો પણ સામેલ છે, ત્યારે આ યુવા ત્યાં જઈ આવ્યા બાદ કોના-કોના સંપર્કમાં આવ્યો હતો અને કઈ-કઈ જગ્યાએ ગયો હતો તેની વિગતો બહાર આવી છે.  ભુજના યુવાને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તા. 18/3ના હું તથા   માનકૂવાનો યુવાન બન્ને દિલ્હી ખાતે નિઝામુદ્દીન ઓલિયાની દરગાહે દર્શન માટે ગયા હતા, પરંતુ દરગાહ બંધ હોતાં બહારથી દર્શન કરી દિલ્હીથી રેલ દ્વારા અમદાવાદ આવ્યા હતા અને 19/3ના ખાનગી વાહન મારફત ભુજ આવ્યા હતા. તેણે વધુમાં જણાવ્યું  કે, ત્યારબાદ આટલા દિવસોમાં તે પોતાની પત્ની, માતા, સંતાનો તેમજ કાકાના સંપર્કમાં આવ્યો હતો. આ ઉપરાંત ભુજની કેમ્પવાળી મસ્જિદમાં નમાજ પઢવા ગયો હતો.વાણિયાવાડની શાક માર્કેટમાં ત્રણ-ચાર રેંકડીવાળા પાસેથી શાકભાજી-ફ્રૂટ લીધા હતા. ભુજના જ્યુબિલી સર્કલથી આગળ પ્રોવિઝન સ્ટોરમાંથી રાશન લીધું હતું.દરમ્યાન માનકૂવાના યુવાને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, 19/3ના ભુજ આવ્યા બાદ તે ભુજની મદીના મસ્જિદ ચાકીવાળીમાં નમાજ પઢવા ગયો હતો અને ત્યારબાદ માનકૂવા ઘરે જઈ પત્ની, માતા-પિતા, સંતાઓ અને નાના ભાઈના સંપર્કમાં આવ્યો હતો. માનકૂવાની માર્કેટમાં દેશલપરથી છકડો લઈને આવતી બહેન   તથા   સુખપરથી  છકડોલઈને આવતા ભાઈ પાસેથી શાકભાજી લીધા હતા. માનકૂવાની માનસી દુકાનમાંથી કરિયાણું લીધું હતું. બિસ્મિલ્લાહ દૂધ કેન્દ્રમાંથી છેલ્લા ચાર દિવસથી સમેજા નામવાળી વ્યક્તિ પાસેથી દૂધ લીધું છે. તા.20/3ના ગામમાંના મિત્રને પણ મળ્યો હોવાનું   જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, બળદિયાના બેન્કના એટીએમ પર લૂંટારુના બનાવના દિવસે તે માનકૂવા પોલીસ સ્ટેશનમાંય ગયો હોવાનું જણાવ્યું હતું. આ બન્ને યુવાનોને તા.1/4થી માધાપરના યક્ષમંદિર ખાતે કવોરેન્ટાઈન કરવામાં આવ્યા હોવાની વિગતો મળી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer