મહિલા ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ ભારતમાં 90 લાખથી વધુ લોકોએ જોઈ

દુબઇ, તા. 2 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારતમાં 90 લાખથી વધુ લોકોએ જોઈ હતી. જે ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર દર્શકોની સંખ્યાનો નવો રેકોર્ડ છે. જો કે ફાઇનલમાં ભારતીય મહિલા ટીમની હાર થઇ હતી. આ મેચ જોવા મેલબોર્નના એમસીજી મેદાન પર રેકોર્ડ 86,174 દર્શકો હાજર રહ્યા હતા.આઇસીસી આજે ગુરુવારે ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મના દર્શક આંકડા જાહેર કર્યાં છે. જેમાં હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પ્રત્યે ચાહકોમાં સારી એવી દિલચશ્પી સામે આવી હતી. ભારતમાં આ ટૂર્નામેન્ટ કુલ પાંચ અબજ 40 કરોડ મિનિટ જોવામાં આવી હતી. કોઇ ખાસ મેચમાં કેટલા સમય સુધી લોકોએ મેચ જોઈ એ આધાર પર કુલ મિનિટ પરથી આ આંકડા તૈયાર કરાયા છે. ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી ચાલેલી ટૂર્નામેન્ટ આઇસીસી ડિજિટલ ચેનલ પર ખૂબ જ લોકપ્રિય રહી હતી. તેના વીડિયોને કુલ એક અબજ 10 કરોડ વખત જોવામાં આવ્યા હતા. આથી આ ટી-20 વર્લ્ડ કપ મહિલા ક્રિકેટના સર્વાધિક જોનાર ટૂર્નામેન્ટ બન્યું છે. અસલમાં આ 2019ના પુરુષ વિશ્વ કપ બાદ સર્વાધિક જોવાનારી  ક્રિકેટ ટૂર્નામેન્ટ છે.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer