પહેલો સગો પડોશી... એ ભાવના ક્યાં ગઈ ?

ભુજ, તા. 2 : `હલ્લો... તમે ફૂડ પેકેટ અને તૈયાર ભોજન ઘેર મોકલો છોને ? પ્લીઝ મારી સોસાયટીમાં એક ઘરમાં એક ભાઈ એકલા જ છે એમનું સરનામું લખાવું છું એમને એક થાળી મોકલી આપશો ?' તમને થશે કે કોઈ સેવાભાવીએ કોઈ જરૂરતમંદ માટે કોઈ સંસ્થા કે સેવાકાર્ય કરતી વ્યક્તિને ફોન કર્યો હશે, વાત તો એ જ છે પણ ફોન એકલદોકલ નહીં અનેક આવે છે અને એ પૈકીના મોટાભાગના ફોન પડોશીધર્મ ચૂકી જનારાઓના છે.લોકડાઉન થકી ભુજમાં અનેક જરૂરતમંદો કમાણી કરવા નીકળી શકતા નથી, અનેક અશક્તો રસોઈ કરી શકતા નથી, તો અમુક પરિવારો એવા પણ છે કે જેમને આરોગ્ય તંત્રએ `ક્વોરેન્ટાઈન' જાહેર કર્યા છે. આવા એકલદોકલ જણ કે પરિવારને રસોડાં દૂર થઈ ગયાં છે અને આવા ટાણે જે માનવતાનો ધોધ વહેવો જોઈએ એ વહેવાને બદલે સૂકાઈ ગયેલો સાબિત થઈ રહ્યો છે. શહેરમાં ભોજન સેવા આપતા સંગઠનો અને સંસ્થાના જવાબદારો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ભુજવાસીઓ પૈકી અમુક સોસાયટીઓમાંથી ફોન આવે છે અને મહત્ત્વની વાત એ છે કે, એકની એક સોસાયટીમાંથી ચાર-પાંચ જણ ફોન કરીને કોઈ એકની એક વ્યક્તિની ચિંતા કરે છે, પણ તેઓ ખુદ સ્વસ્થ અને સાધન સંપન્ન હોવા છતાં એ એક વ્યક્તિ કે કુટુંબને ખાવાનું પહોંચાડતા નથી. પહેલો સગો પડોશી એ ભૂલાય છે અને એ જ ગંભીર બાબત છે. સોમવારે વડોદરાની 34 વર્ષીય કોરોના પોઝિટિવ મહિલા હોસ્પિટલથી સ્વસ્થ થઈને પોતાને ઘેર પરત આવી ત્યારે તેના પડોશીઓએ થાળી-ઘંટ વગાડી એનું સ્વાગત કર્યું અને ટીવી ચેનલોને આપેલા ઈન્ટરવ્યૂમાં એ મહિલાએ કહ્યું કે, `મારા દસ દિવસ કપરા ગયા પણ આભાર મારા તમામ પડોશીઓનો કે મને હોસ્પિટલમાં તથા મારા પરિવારને ઘરમાં કોઈ તકલીફ આવવા ન દીધી !' સેવાભાવીઓ આ વાત નોંધતાં કહે છે કે, ભુજની સુખી-સાધન સંપન્ન સોસાયટીમાં વિદેશથી કે મુંબઈથી આવેલા `હોમ ક્વોરેન્ટાઈન' એટલે જાણે ખુદ જીવતા બોમ્બ હોય તેમ અડોશ-પડોશમાંથી કોઈ એની નજીક જવા-મદદ કરવા તૈયાર નથી. ફોન કરીને ખાવા-પીવાનું પહોંચાડવા કહેનારા શું ઘરમાં રાંધતા નહીં હોય ? એક-બે જણનું સ્વયં જ પહોંચાડી દે તો માનવતા વધુ પ્રકાશિત થાય કે નહીં ? 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer