રેલવે મંત્રાલય લોકોના હિતમાં અને સમજી વિચારીને ટ્રેન સેવા અંગે નિર્ણય લેશે

ગાંધીધામ, તા. 2 : કોરોના વાયરસના સંક્રામણને અટકાવવા માટે દેશભરમાં ત્રણ સપ્તાહ સુધી તાળાબંધી જાહેર કરવામાં આવી છે અને ત્યારથી દેશભરમાં ટ્રેન સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. તાજેતરમાં રેલવે દ્વારા નવ એપ્રિલનું બૂકિંગ શરૂ કરવામાં આવ્યું હોવાના પ્રસારિત થયેલા અહેવાલો સંદર્ભે રેલવે વિભાગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે રેલવે દ્વારા રિઝર્વેશન બંધ કરવામાં આવ્યું જ નથી. આ અંગે જારી કરાયેલી અખબારી યાદીમાં પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાસ્કરે જણાવ્યું હતું કે 14 એપ્રિલ 2020 બાદની તારીખના પ્રવાસ માટે ઓનલાઇન રિઝર્વેશન ક્યારેય પણ  રોકવામાં આવ્યું નથી.  આઇ.આર.સી.ટી.સી.ના માધ્યમથી 15 એપ્રિલ અને  ત્યારબાદની તારીખની તમામ ટ્રેનોનું રિઝર્વેશન લોકડાઉન દરમ્યાન પણ સતત ચાલુ જ હતું. જેથી રિઝર્વેશન ફરીથી શરૂ કરવાનો કોઇ પ્રશ્ન જ ઊભો થતો નથી.લોકડાઉન પૂર્ણ થયા બાદ ટ્રેન વ્યવહાર અંગેની પરિસ્થિતિ  વિશે અમદાવાદ ડિવિઝન સ્થિત રેલવેના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતું કે, 14 એપ્રિલ બાદ ટ્રેન વ્યવહારની પરિસ્થિતિ અંગે અત્યારે કાંઇ જ કહી ન શકાય. રેલવે મંત્રાલય દ્વારા વિવિધ તજજ્ઞો સાથે મંત્રણા ચાલી રહી છે અને નિષ્ણાતોના મત પણ લેવાઇ રહ્યા છે. ટ્રેન શરૂ કરવા અંગે રેલવે મંત્રાલય દેશના લોકોના હિતમાં જ સમજી-વિચારીને નિર્ણય  લેશે તેવું જાણકાર વર્તુળો જણાવી રહ્યાં છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer