અબડાસામાં 35 લાખના ખર્ચે પાંચ હજાર કિટ

નલિયા, તા. 2 : મહામારીને પગલે અપાયેલા લોકડાઉનમાં સૌથી મોટી તકલીફ રોજનું કમાઈને રોજનું ખાનારા વર્ગને થઈ હોવાથી આવા સમયે અબડાસા તાલુકા પંચાયતને મહત્ત્વનો નિર્ણય લઈ રૂા. 35 લાખના ખર્ચે પાંચ હજાર રાશનની કિટ બનાવી 150 ગામોમાં પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. અબડાસા તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ હોદ્દેદારો, સભ્યો તેમજ વિવિધ ક્ષેત્રના તાલુકાના આગેવાનોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે તેવું અબડાસા તાલુકા પંચાયતના યુવા સભ્ય જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે તાલુકા પંચાયતના અધ્યક્ષા અજબાઈ ગોરડિયા, ઉપપ્રમુખ હકૂમતસિંહ જાડેજા, કારોબારી ચેરમેન મહેશોજી સોઢા, સભ્યો જયદીપસિંહ જાડેજા, અરજણ ભાનુશાળી, જગદીશસિંહ જાડેજા, શામળાભાઈ ગઢવી, વેપારી મંડળના પ્રમુખ હકૂમતસિંહ જાડેજા, જિ.પં. સિંચાઈ સમિતિના અધ્યક્ષા ભાવનાબેન જાડેજા, અનુભા જાડેજા, ઉષબા જાડેજા વગેરેએ પાંચ હજાર અનાજ-રાશનની કિટ બનાવી દરેક ગામના જરૂરતમંદ લોકો સુધી પહોંચાડવાનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રીએ ગરીબ લોકોને મદદ કરવાની કરેલી અપીલને પગલે અબડાસાના 150 ગામોના દરેક જ્ઞાતિના જરૂરતમંદ પરિવારો માટે જીવનજરૂરિયાતની વસ્તુઓ ઘઉં, ચોખા, તેલ, મગ, મસાલા, કાંદા, બટેટાની એક કિટ તૈયાર કરી એવી પાંચ હજાર કિટ વિતરીત કરવામાં આવશે. કિટ બનાવવાનું ચાલુ કરાયું છે અને વિતરણની પણ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે તેવું શ્રી જાડેજાએ જણાવ્યું હતું. આ કાર્ય માટે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, સાંઘી સિમેન્ટ, આર્ચિયન ગ્રુપ, સુઝલોન, તાલુકાના સરપંચો, શિક્ષક સમાજના હોદ્દેદારો, તલાટી મંડળ, તા.પં. સ્ટાફ વગેરેનો સહકાર મળ્યો છે. ભાજપના આગેવાનો કાનજીભાઈ ગઢવી, પરેશ ભાનુશાલી, રવુભા જાડેજા, ગૌતમ જોશી વગેરે સહયોગી બન્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer