દીનદયાળ બંદરે કામગીરી બંધ રાખવા કામદાર સંગઠને પ્રશાસનને કરી અપીલ

ગાંધીધામ, તા. 2 : કોરોના મહામારીએ જ્યારે સમગ્ર રાષ્ટ્રને તાળાબંધી પાછળ ધકેલ્યું છે ત્યારે આવશ્યક સેવા ગણાવીને દીનદયાળ મહાબંદરને ચાલુ રખાયું છે. અહીંના મોટા કામદાર સંગઠન કંડલા ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન (એમ.એમ.એસ.)એ આ પોર્ટ ઓપરેશન બંધ કરવા અપીલ કરી છે. સાથેસાથે કામદારોના વીમા કવચની રકમ વધારવા સહિતની વિવિધ માગણી પણ રજૂ કરી છે. યુનિયનના મહામંત્રી મનોહર બેલાણીએ ડીપીટી અધ્યક્ષને એક પત્ર પાઠવીને જણાવ્યું છે કે મહામારીના આ ગાળામાં બંદરની ગતિવિધિ બંધ જ રાખવી જોઈએ. પરંતુ તેમ છતાં બંદર ચાલુ રખાય તો બંદર પ્રશાસને ડીપીટીના તેમજ ખાનગી કામદારો માટેનું વીમા કવચ રૂા. 50 લાખ સુધી લઈ જવું જોઈએ. હાલની રોગચાળાની વિશેષ પરિસ્થિતિમાં કામદારોને ખાસ વળતર આપવું જોઈએ. બંદર ઉપર કામ કરતા આ કામદારો માટે બંદર વિસ્તાર તથા તેની આસપાસના ક્ષેત્રમાં અસરકારક આરોગ્ય વિષયક પગલાં લેવાવાં જોઈએ. કામદારોને લાવતી બસ, કારગો હેન્ડલિંગનાં સાધનોની કેબિન વગેરેનુ સંપૂર્ણપણે અને દરરોજ સેનિટાઈઝેશન થવું જોઈએ. કામદારોને પણ પીપીઈ તથા સેનિટાઈઝરનો પૂરતો પુરવઠો અપાય, ડીપીટી હસ્તકનાં સ્થળે આરોગ્ય માળખું ઊભું કરવા તથા કર્મચારીઓને તેની સગવડ આપવા બાબતને મહત્ત્વ અપાય, ગોપાલપુરી સ્થિત કર્મચારી વસાહતમાં જીવન જરૂરી ચીજોનો પુરવઠો મળતો રહે તે જોવાય, બંદરમાં શિપિંગ મૂવમેન્ટ કરનારા કામદારોની વિશેષ કાળજી લેવાય, જ્યાં સુધી લોકડાઉન ચાલે ત્યાં સુધી મહાબંદરે 12-12 કલાકની બે શિફ્ટમાં જ કામ થાય તેવો અનુરોધ પત્રમાં કરાયો છે. દરમ્યાન ડીપીટીમાં આજે મળેલી સમીક્ષા બેઠકમાં ગાંધીધામ પ્રશાસનિક કાર્યાલય ખાતે કાર્યરત કન્ટ્રોલ રૂમ કંડલા ખસેડવા તેમજ પ્રશાસનિક કચેરી તા. 6/4થી પુન: ખોલવા નિર્ણય લેવાયો હતો. અલબત્ત જરૂર પૂરતો જ સ્ટાફ બોલાવવાનું નક્કી થયું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer