ગાંધીધામની રેલવે કોલોનીમાં પાણીજન્ય બીમારીની દહેશત

ગાંધીધામ, તા. 2 : વિશ્વની સાથેસાથે કોરોના વાયરસના કહેરમાં ભારત પણ સપડાયું છે અને આ વાયરસને ડામવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન સહિતનાં પગલાં લેવાયાં છે. આ પરિસ્થિતિ વચ્ચે ગાંધીધામની રેલવે કોલોનીમાં છેલ્લા બે દિવસથી ડહોળા પાણીની સમસ્યા સર્જાઈ છે. આ સમસ્યાના કારણે લોકોને કોરોનાના ભય વચ્ચે  પાણીજન્ય બીમારીની દહેશત સર્જાઈ છે.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામની રેલવે કોલોનીમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા ચોપડવાથી નર્મદાનું પાણી આપવામાં આવે છે. કોલોનીમાં વધુ એક વખત છેલ્લા એક અઠવાડિયાથી ડહોળું અને દુર્ગંધવાળું પાણી આવે છે. આ મામલે વેસ્ટર્ન રેલવે એમ્પલોઈઝ યુનિયન ગાંધીધામના સચિવ હરકુલ કુમાવતે રેલવે પ્રશાસન સમક્ષ રજૂઆત કરી હતી. મંડલમંત્રી એચ.એસ. પાલે ડિવિઝનના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી અને પાણી પુરવઠા બોર્ડના સમ્પમાં ખામી હોવાના કારણે પાણી ડહોળું આવતું હોવાનું જણાવ્યું હતું.આ સંદર્ભે ગાંધીધામ એ.આર.એમ., એ.ડી.ઈ.એન. અને અમદાવાદના સિનિયર ડી.ઈ.એન. દ્વારા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા કરી સમસ્યા અંગે જાણ કરી હતી. ભચાઉ?તાલુકાના ચોપડવા સ્થિત વોટર ફિલ્ટરમાં ખામી સર્જાતાં પાણી ડહોળું આવતું હોવાની સમસ્યા સર્જાઈ હોવાનું જણાવ્યું હતું અને આગામી એકાદ-બે દિવસમાં જ આ ફિલ્ટરનું સમારકામ કરી રેલવે કોલોનીમાં શુદ્ધ પાણી વિતરિત કરાશે તેવી ખાતરી બોર્ડના અધિકારીઓએ આપી હતી. લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે કોલોનીમાં ડહોળા પાણીની સમસ્યાથી રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer