કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા બે જણાને મોડી રાત્રે ક્વોરેન્ટાઇન કરાયા

ગાંધીધામ, તા. 2 : સમગ્ર વિશ્વને અજગરી ભરડામાં લેનારા જીવલેણ કોરોના વાયરસના કહેરથી ગુજરાત રાજ્ય પણ બાકાત નથી. રાજ્યમાં પોઝિટિવ દર્દીની સંખ્યા 87એ પહોંચી છે તેની સામે સરહદી કચ્છ જિલ્લામાં સદ્નસીબે હજુ સુધી એક જ દર્દીનો પોઝિટિવ કેસ છે અને શંકાસ્પદ કેસ પણ હજુ આવ્યા નથી. આની વચ્ચે સુરતથી કોરોના વાયરસ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા બે શખ્સો ગાંધીધામ આવી પહોંચ્યા હતા. મોડી રાત્રે આરોગ્ય તંત્ર અને પોલીસે કાર્યવાહી કરી બે શખ્સોને ક્વોરેન્ટાઇન કરી નાખ્યા હતા. આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ શહેરના કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં શખ્સો સુરતથી આવ્યા હોવાનું સ્થાનિક રહેવાસીઓએ પ્રશાસનને જાણ કરી હતી. આ અંગેની જાણ થતાં તાલુકા આરોગ્ય વિભાગ અને પોલીસ પ્રશાસને મોડી રાત્રિના કાર્ગો વિસ્તારમાં સર્ચ ઓપરેશન આદર્યું હતું અને બંને જણાને શોધી લઇ અંજાર તાલુકાના મેઘપર બોરીચી ખાતે આવેલાં ક્વોરેન્ટાઇન સેન્ટરમાં લઇ જવાયા હતા. આ બે શખ્સોની પૂછપરછ દરમ્યાન બહાર આવેલી વિગતો મુજબ આ બંને જણા સુરતથી વીરમગામ સુધી ખાનગી વાહનમાં આવ્યા હતા અને વીરમગામથી ગાંધીધામ પગે ચાલીને પહોંચ્યા હતા.ગાંધીધામમાં તેમના સંબંધીના ઘરે આવ્યા હતા. તેમના સંબંધીએ આરોગ્યતંત્રને જાણ કરતાં લીલાશાહ કુટિયા ખાતે હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer