એકાદ બે દિવસમાં આદિપુરની હોસ્પિટલ કોરોના માટે તૈયાર

ગાંધીધામ, તા. 2 : કોરોના વાયરસનું સંક્રમણ વધુ ફેલાવાની ભીતિ વચ્ચે જિલ્લા પ્રશાસને પૂર્વતૈયારીના ભાગરૂપે આદિપુરમાં આવેલી હરિઓમ ટ્રસ્ટ હોસ્પિટલ આધુનિક સાધનો સાથે ત્વરિત ચાલુ કરવા કમર કસી છે. જો કે અત્યાર સુધી જિલ્લામાં કોરોના પોઝિટિવનો એક જ કેસ બહાર આવ્યો છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના નામની મહામારી જિલ્લામાં પણ પ્રવેશી ચૂકી છે, ત્યારે તે વધુ ન ફેલાય તે માટે તમામ પ્રકારનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. તેમ છતાં વધુ દર્દીઓ બહાર આવે તો તે માટે પણ તંત્રે તૈયારી રાખી છે. આદિપુરમાં આવેલી હરિઓમ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ ત્વરિત ચાલુ કરાય તે માટે જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. આજે ગાંધીધામ ધસી આવ્યાં હતાં. મામલતદાર કચેરીમાં ડી.ડી.ઓ., જિલ્લા આરોગ્ય અધિકારી, ચેમ્બર, ટિમ્બરના પ્રતિનિધિઓ તેમજ ડી.પી.ટી., ઈફકો, આઈ.ઓ.સી.એલ.ના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં હરિઓમ હોસ્પિટલમાં વધુ વેન્ટિલેટર તથા અન્ય સાધન સામગ્રી અંગે ચર્ચા કરાઈ હતી તેમજ એક-બે દિવસમાં આ હોસ્પિટલને ચાલુ કરી દેવા નિર્ણય કરવામાં આવ્યો હતો. સાથોસાથ કંડલામાં આવેલા દીનદયાળ બંદર અને ઈફકોના પ્લાન્ટનાં કારણે માર્ગો ઉપર લોકોની અવરજવર વધુ રહે છે. લોકડાઉનનું ચુસ્તપણે પાલન થતું નથી વગેરે અંગે પણ ચર્ચા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer