કોરોનાના વધુ આઇ.સી.યુ. માટે ચાર વેન્ટિલેટર અપાયાં

કોરોનાના વધુ આઇ.સી.યુ. માટે ચાર વેન્ટિલેટર અપાયાં
ભુજ, તા. 31 : રાજ્ય સરકારે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગને પાંચ વેન્ટિલેટર કચ્છમાં કોરોના આઇ.સી.યુ. સેન્ટર માટે આપ્યાં છે તેમાંથી ચાર વેન્ટિલેટર આજે જી.કે. જનરલ હોસ્પિટલને સુપરત કરાયા હતા. જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી અને જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નરે સુપરત કર્યા હતા, જે હોસ્પિટલના અધિક મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. નરેન્દ્ર હીરાણી સાથે જનરલ એડમિન હેડ ડો. શાર્દુલ ચોરસિયા, ડો. દીપક બલદાણિયા અને બાયો મેડિકલ ટીમ ઉપસ્થિત રહી સ્વીકાર્યા હતા. ડો. હીરાણીએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે, હાલે આઇ.સી.યુ. માટે 12 વેન્ટિલેટર છે, ચાર આજે સરકાર તરફથી ફાળવાયા અને પાંચ અદાણીએ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. તે સાથે આઇસોલેશન માટે 17 વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ થશે. હાલે આઠ બેડનું આઇસોલેશન છે. બાજુમાં નવું નવ બેડનું આઇ.સી.યુ. બને છે. હોસ્પિટલમાં કોરોના માટે 100 બેડની તૈયારી ચાલુ છે.અત્યારે કોરોનાના એક જ દર્દી દાખલ છે, જે પોઝિટિવ રિપોર્ટવાળા છે તે પણ વેન્ટિલેટર પર નથી. સી.ડી.એચ.ઓ. ડો. કન્નરે જણાવ્યું કે, એક વેન્ટિલેટર આદિપુર ખાતેની હરિઓમ ટ્રસ્ટની હોસ્પિટલમાં લગાવાશે. ત્યાં બે છે. બે-ત્રણ દિવસમાં હોસ્પિટલ તૈયાર થઇ જશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer