કરોડોના ઘઉંનો કોઈ લેવાલ ન હોવાથી કિસાનો સંકટમાં

કરોડોના ઘઉંનો કોઈ લેવાલ ન હોવાથી કિસાનો સંકટમાં
અંબર અંજારિયા દ્વારા-  ભુજ, તા. 31 : આ વખતે શિયાળાની મોસમ લાંબી ચાલી અને ડેમોમાં પાણી પણ સારા ભરાયા હોવાથી ઘઉં, કપાસ કે એરંડા જેવા પાકોનું વાવેતર કરતા કિસાનો પર કુદરત તો મહેરબાન થઈ છે, પરંતુ આ કિસાનો પર કોરોના વાયરસે કોપ વરસાવ્યો છે. દેશની સરકારે ખેતીકામને મુક્તિ આપી દીધી છે, પરંતુ લોકડાઉનના કારણે આજની તારીખે બજારમાં લાખોના ઘઉંનો કોઈ લેવાલ નથી, પરિણામે અત્યારે તો વેપાર વગર વ્યવહાર અટકી પડતાં ખેડૂતના અર્થતંત્રના ચક્રો થંભી ગયા છે. આવા વિકટ સંજોગોનો શિકાર ધરતીપુત્ર સમુદાય સરકાર તરફ આશાભરી મીટ માંડી બેઠો છે. કોરોના પ્રેરિત લોકડાઉન વચ્ચે કચ્છની ખેતીમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા પરપ્રાંતીય ખેતમજૂરોએ ઉચાળા ભરી વતનની વાટ પકડવા માંડી છે. યાર્ડોને તાળાં લાગેલા છે. ખેતપેદાશો ટેકાના ભાવે લેવાનું પણ સરકારે શરૂ નથી કર્યું, ત્યારે હાથમાં મબલખ મોલ પાકેલો હોવા છતાં પણ કિસાનના કપાળે ચિંતાના વાદળો ઘેરાયા છે. કચ્છના કિસાન સમુદાયે `કચ્છમિત્ર' સાથે વાત કરતાં હૈયાવરાળ ઠાલવી હતી, ત્યારે સંપર્ક સાધતાં જિલ્લા ખેતીવાડી અધિકારી વાય.આઈ. સિહોરાએ જણાવ્યું હતું કે, સરકાર માટે કિસાન, જવાન, જનતાના જીવની કિંમત છે. માટે થોડા સમય સુધી ધીરજ ધરશો તો ફળ મોડાં, પરંતુ મીઠા જરૂર મળશે. આજે નહીં, તો કાલે કિસાન માટે બજારના દરવાજા ખૂલી જ જશે, તે આશાવાદ સાવ સાચો છે, પરંતુ અત્યારે ખેડૂતોના વ્યવહાર અટકી ગયા છે અને બીજું એ કે જ્યારે લોકડાઉનનાં તાળાં ખૂલશે ત્યારે બજારમાં એકસાથે ઘઉં જેવા ધાન વેચવા ઊતરી પડનાર કિસાનને માર પડવાની ભીતિ સેવાઈ રહી છે. કેમ કે, આંખ સામે ઢગલાબંધ ધાન જોઈને વેપારીઓ ગરજના ભાવે માગશે, તો કિસાનોને કમાવા કંઈ જ નહીં મળે. ટેકાના ભાવથી નીચે બજારમાં જતા રોકવા સરકાર ભાવ બાંધે લોકડાઉન ખુલ્યા પછી ખેડૂત માલ વેચવા યાર્ડમાં પહોંચે ત્યારે નિયત કરાયેલા ટેકાના સરકારી ભાવથી નીચો આંક બોલીમાં ન બોલાય તેવા આદેશ સાથે સરકાર વેપારીઓને બેઠાબેઠા નફો કમાતા અને ખેડૂતોને શોષણનો ભોગ બનતા અટકાવવા માટે ઘઉં સહિત ખેતપેદાશોના તર્કસંગત ભાવ નક્કી કરી આપે તેવી માંગ કચ્છના કિસાન સમુદાયે ઉઠાવી છે. નવરચિત કચ્છ કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ જણાવ્યું હતું કે, અત્યારે કિસાનોની ચિંતા કરવા જેવી છે. લોકડાઉન વચ્ચે વેપારી માલ લેવા તૈયાર નથી. ખેડૂતો આગ્રહ કરે તો વેપારીઓ કહે છે કે, માલ લઈએ પણ પૈસા પછી આપશું. આ શરત સ્વીકારે તો સમયસર વ્યવહાર ન સાચવી શકનાર ખેડૂત પર વ્યાજનું ભારણ વધવાની ભીતિ છે. અત્યારની વિકટ સ્થિતિ પર નજર કરતાં સરકાર માર્કેટ યાર્ડ વહેલા ખોલે અને ટેકાના ભાવે ખરીદી પણ વહેલી શરૂ કરે તો બજારની સાથે કિસાનોના અર્થતંત્રમાં વહેલી ગતિ આવે તેવો મત ભારતીય કિસાન સંઘના કચ્છ વિભાગના પૂર્વ અધ્યક્ષ માવજીભાઈ જાટિયાએ વ્યક્ત કર્યો હતો. માવજીભાઈ જાટિયાએ ખેડૂતોના હિતમાં સૂચન કરતાં કહ્યું હતું કે, વેપારીઓને વધુ પડતો નફો કમાતા રોકવા ખેડૂતોને પૂરતું વળતર મળી રહે તે માટે સરકારે ભાવબાંધણું કરવું જોઈએ. યાર્ડ કે કોઈપણ વેપારી ઘઉં ખરીદતી વખતે સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા ટેકાના ભાવ કરતાં નીચો આંક ન બોલે તેવા સત્તાવાર આદેશ પરિપત્ર જેવી નક્કર વ્યવસ્થા થવી જરૂરી છે. ભારતીય કિસાન સંઘ કચ્છના અન્ય પૂર્વ પ્રમુખ શામજીભાઈ મ્યાત્રાએ કહ્યું હતું કે, લોકોની ઘરબેઠા ભૂખ ભાંગે તે માટે ખેડૂત બહાર નીકળવા તૈયાર છે ત્યારે ખેતીકામને લોકડાઉનમાંથી મુક્તિ આપીને સુંદર નિર્ણય લેનાર સરકારે ખેડૂતના અર્થતંત્રને પ્રોત્સાહિત કરવા માટે પણ વ્યવસ્થા કરવી જોઈએ. સરકારે ફળ, શાકભાજી, ધાન, મસાલા પાકોને પ્રોત્સાહન આપવા સાથે ખાસ કરીને ખેતમજૂરોને હિજરત ન કરવી પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ તેવું કિસાન સંઘ, કચ્છના પૂર્વ પ્રમુખ વેલજીભાઈ ભુડિયા કહે છે. કિસાન સમુદાયની રજૂઆતના પગલે ખેડૂતો પર પોલીસ નિયંત્રણ હળવું બન્યું છે, તો મજૂરોની હિજરતે હેરાન કર્યા છે. ઘઉં વાઢવાના ટાંકણે જ મજૂરોએ ઉચાળા ભરવા માંડયા છે. ઘઉં સૂકાય તો જમીનમાં ઉધઈના ત્રાસથી પાકને મોટા નુકસાનની ભીતિ છે એ હકીકત ધ્યાને લેતાં ખેડૂતોએ પણ પોતાના મજૂરોને સમયસર સાચવી લેવા જોઈએ. ઘઉં ઉપરાંત કપાસ, એરંડા, જીરું, ડુંગળી જેવા પાકોની પણ એ જ સ્થિતિ છે. ત્યારે તમામ શહેરોમાં, તાલુકામથકો પર વ્યવસ્થિત ખરીદ કેન્દ્રો પણ સરકાર શરૂ કરે તેવી માંગ પણ બુલંદ બની છે. ટૂંકમાં એવું કદાચ પહેલીવાર બન્યું હશે કે કિસાન પર કુદરત રાજી છે, તો કોરોના પ્રેરિત લોકડાઉને લપડાક મારી છે ત્યારે સમયસર વહારે આવી સરકાર સવેળા ટેકાના ભાવે ખરીદી માર્કેટ યાર્ડ શરૂ કરે તે વિશાળ કિસાન સમાજના હિતમાં સમયની માંગ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer