છેવાડાના લખપત તાલુકામાં વસ્તુઓ મોંઘી બની

છેવાડાના લખપત તાલુકામાં વસ્તુઓ મોંઘી બની
દયાપર (તા. લખપત), તા. 31 : કોરોના વાયરસનાં પગલે લોકડાઉન સમય લોકોને જીવનજરૂરિયાતની વસ્તુઓ મળતી રહે તેમજ પશુપાલન જેવો મહત્ત્વનો વ્યવસાય ધરાવતા લખપત તાલુકામાં પશુઆહાર માટે સમસ્યા ન થાય, કિસાનોને કોઈ પ્રશ્ન ન નડે તે હેતુથી દયાપર તાલુકા પંચાયત હોલમાં પ્રાંત અધિકારીના વડપણ હેઠળ બેઠકનું આયોજન કરાયું હતું. કિસાન સંઘના અગ્રણીઓ બાબુભાઈ પટેલ, રતનશીભાઈ વિગેરેએ દાડમનો પાક તૈયાર થાય છે ત્યારે તેનું પરિવહન કરવા થતી તકલીફો વિશે રજૂઆતો કરી હતી. તો ઘઉંના અને જીરુંના પાકની લણણીમાં મજૂરોની અછત અંગે પણ ચર્ચા કરી હતી. હોલસેલ વેપારી રામભાઈ ઠક્કરે તાલુકામાં મુખ્ય મથક દયાપરમાં બેથી ત્રણ દિવસ ચાલે તેટલો અનાજ પુરવઠો તથા પશુઆહર છે. ત્યારે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા ગોઠવવા જ્યાં અટકેલો માલ સમાન છે ત્યાંથી અહીં આવવાની વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. ગરડા પંથક રબારી સમાજના પ્રમુખ નથુભાઈ રબારીએ માલધારીઓને દૂધ સપ્લાય માટે કોઈ તકલીફ નથી પણ ખાણ-દાણ સમયસર મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરી હતી. વેપારી મહામંડળના પ્રમુખ વિશ્વનાથ જોશીએ મુખ્ય મથક દયાપરમાં તાત્કાલિક દવા છંટકાવ કરી સમગ્ર ગામને સેનિટાઈઝ કરવા તથા અન્ય અસરગ્રસ્ત ગોમોને પણ સેનિટાઈઝ જલદીથી કરાય તેવી માંગ કરી હતી. સરપંચ સંગઠનના પ્રમુખ નીતિનભાઈ રૂડાણીએ તેમજ કિસાન સંઘના અગ્રણીઓએ કહ્યું હતું કે અમને દવા આપવામાં આવે તો બધા ગામમાં ખેડૂતો પાસે ટ્રેક્ટર છે, અમે વ્યવસ્થા કરી લેશું. દવાનો જથ્થો આપવામાં આવે. દવાની ઘણી કિંમત નથી પણ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય છે. તાલુકા આરોગ્ય અધિકારી ડો. રોહિત ભીલે જે લોકો હજયાત્રા કે બહાર રાજ્ય કે વિદેશમાંથી આવ્યા છે તે ગામના સરપંચ, મૌલાના કે કાર્યક્રમ કરનારા આયોજકોની તપાસ કરાય તો હજુ સંપર્કમાં આવનારા લોકોના નામો મળી શકે. લોકોને ક્વોરેન્ટાઈનમાં રહેવાની બીકથી પોતાના નામો જાહેર કરતા નથી ત્યારે દરેક ગામના જાગૃત નાગરિકો અને સરપંચોએ આગળ આવવું પડશે. સંપર્કમાં આવનારાના નામો અપાય તે જરૂરી છે. પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવતે જે દાડમનો પાક તૈયાર છે તે ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશન માટે વાહન વ્યવસ્થા અર્થે જ્યારે ખેડૂત માગશે ત્યારે પાસ મળી શકશે, કોઈ તકલીફ પડવા નહીં દઈએ. ઘઉં, જીરાના પાક માટે થ્રેસર મશીનો કે વાહનોની મંજૂરી આપવા પણ પાસ મળી શકશે. કંઈ પણ તકલીફ હોય તો મામલતદાર કચેરીમાં પાસ મેળવી લેવા જણાવ્યું હતું. અનાજ તેમજ ખોડ-ભૂંસા માટે પણ વાહનવ્યવહારની જરૂરત પડે તેની વ્યવસ્થા કરી લેવા તેમજ તેને વચ્ચે ક્યાંય અટકાવ ન આવે તે અર્થે પાસની વ્યવસ્થા કરાશે. દયાપરમાં આજથી દવા છંટકાવ, અન્ય તમામ ગામોમાં સેનિટાઈઝ માટે સ્થાનિક સૂચના અપાઈ હતી. આમાં વહીવટી તંત્ર સરપંચ સંગઠનનો સહયોગ લઈ સરપંચોને સાથે રાખી ગામોમાં પણ સેનિટાઈઝ ઝડપથી કરાય તેવી સૂચના પ્રાંત અધિકારીને સ્થળ પર જ આપી હતી અને બપોર પછી દયાપર ગામમાં દવા છંટકાવ ચાલુ કરી દેવાયો હતો. બીજી બાજુ મગની દાળના કિ.ગ્રા. 110 રૂા. થઈ ગયા છે. અમુક વસ્તુમાં ઉપરથી ભાવ વધારો આવતાં ગ્રાહકો સાથે સંઘર્ષ પણ થઈ રહ્યો છે. હાલમાં ખોડના 50 કિ.ગ્રા. બાચકાના રૂા. 1300થી 1330 ભાવ છે, જ્યારે ભૂંસાના 1050થી 1070 ભાવ છે. પરંતુ હાલમાં લિગ્નાઈટ લોડિંગની ટ્રકો બંધ છે. તેથી ખાસ ટ્રક મગાવવામાં આવે તો 10 હજાર ભાડાંના બદલે ટ્રકચાલકો 25000 ભાડું લે છે. લિગ્નાઈટ પરિવહન ચાલુ હોય તો એ જ ટ્રક 10000 ભાડું લે, વળતા લિગ્નાઈટ ભરી જાય. હવે સીધા 15000 ભાડું વધે તો ખોડ-ભૂંસાની ગૂણી પાછળ રૂા. 30નો વધારો થાય તે ગ્રાહકને મોંઘું પડે અને માલનો ભાવ કેમ વધ્યો તેવું કહી સંઘર્ષ પણ થાય તેવી સ્થિતિ ઊભી છે. સરકાર દ્વારા ઉપરથી ભાવ નિયંત્રણ તેમજ ભાડાંનું નિયંત્રણ નહીં કરાય તો ગામડાંમાં આ તકલીફ થવાની દહેશત છે. તાલુકામાં વિવિધ ગામડાઓમાં સેનિટાઈઝ માટે દવા કોટડા (ચકાર)થી મંગાવવા ઘડુલી સરપંચે સૂચન કર્યું હતું. પ્રાંત અધિકારીએ દવાની વ્યવસ્થા થઈ જશે, વાહનની વ્યવસ્થા સરપંચ સંગઠન દ્વારા કરવામાં આવે તેવી અપીલ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer