ગાંધીધામ મામલતદાર કચેરી દ્વારા ઘરવિહોણા લોકો માટે હંગામી શેલ્ટર ઊભા કરાયાં

ગાંધીધામ મામલતદાર કચેરી દ્વારા ઘરવિહોણા લોકો માટે હંગામી શેલ્ટર ઊભા કરાયાં
ગાંધીધામ તા. 31 : રાજ્ય બહારના લોકો જેમની પાસે રહેવા, જમવાની વ્યવસ્થા ન હોય તેવા લોકો માટે અહીંના મામલતદાર કચેરી દ્વારા ત્રણ શેલ્ટર હોમ બનાવાયાં છે. આ જગ્યાઓ ઉપર શિક્ષકો ઉપસ્થિત રહેશે. સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને 5968 લોકોને 4867 રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અન્ય રાજ્ય કે જિલ્લામાંથી આવેલ અને અહીં રહેતા અમુક લોકોમાં લોકડાઉનના પગલે છુપો ભય પ્રસર્યો છે. અમુક લોકો પોતાના વતન જવા પગપાળા નીકળી રહ્યાં હતાં. આવા લોકોને અટકાવી તેમને રાશનકીટ સાથે પરત મોકલવામાં આવ્યા હતા. દરમ્યાન જે લોકો પાસે રહેણાંક મકાન કે જમવાની કોઇ જ વ્યવસ્થા નથી તેવા લોકો માટે મામલતદાર કચેરી દ્વારા હંગામી ધોરણે શેલ્ટર બનાવાયાં છે. શહેરની સી.જી. ગીધવાણી શાળા, સેકટર-પાંચમાં ગર્લ્સ હોસ્ટેલ તથા આદિપુરમાં મૈત્રી શાળામાં આ શેલ્ટરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ તમામ શેલ્ટર ઉપર દિવસ-રાત શિક્ષકો ઉપસ્થિત રહેશે અને અહીં આવનારા લોકોની તકલીફોને દૂર કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. મામલતદાર કચેરીએ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને બે દિવસમાં 4867 રાશનકિટ વિતરણ કરી હતી. દરમ્યાન આજે મામલતદાર કચેરી બહાર 80થી 100 લોકો પહોંચી આવ્યા હતા અને પોતાના વતન મધ્ય પ્રદેશમાં જવાની માંગ કરી હતી. આ લોકોને સાંત્વના આપી રાશનકિટ આપી તેમને પરત તેમના ઘરે જવા દેવાયા હતા. તો સી.જી. ગીધવાણી શાળામાં પણ મુંદરાથી અમુક લોકો આવી પહોંચ્યા હતા જે બાદમાં પરત મુંદરા ચાલ્યા ગયા હોવાનું મામલતદાર કચેરીમાંથી જાણવા મળ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer