માંડવીમાં 1115 પરિવારને રાશનકિટનું કરાયું વિતરણ

માંડવીમાં 1115 પરિવારને રાશનકિટનું કરાયું વિતરણ
કાઠડા (તા. માંડવી), તા. 31 : સેવાભાવીઓ પોતપોતાની રીતે રાષ્ટ્રસેવા કરવાનું ચૂકતા નથી ત્યારે જાણીતા ભજનિક દેવરાજભાઇ ગઢવી (નાનો ડેરો)એ પણ જરૂરિયાતમંદ પરિવારોને રાશનકિટ આપી હાલના સમયમાં જરૂરિયાત મુજબ સહયોગી બન્યા છે. માંડવીમાં રોજ-રોજનું કમાઇને પેટિયું રળતા શહેરના પશ્ચિમ બાજુ શીતલા માતાજી મંદિર પાછળ સ્થાયી થયેલા 111 પરિવારને ઘઉં, તેલ, ચોખા, મસાલા સહિતની રાશનકિટનું વિતરણ કર્યું હતું. ભુખ્યાને અન્ન એ જ પ્રભુ સેવા હોવાનું કહ્યું હતું અને હાલમાં કોરોના વાયરસ સામે લડવા સરકારના નિયમોનું પાલન કરવા તથા ઘરથી બહાર ન નીકળવાનું કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુપ્તદાન મહાદાનમાં માનતા દેવરાજભાઇ ગઢવી જરૂરતમંદોની વહારે આવતા અનેક રીતે લોકોપયોગી કાર્યો કરે છે. તેઓ અગાઉ પણ મારવાડા સમાજની પાંચ દીકરીઓના લગ્ન પ્રસંગે જમણવારનું ખર્ચ ભોગવી ચૂક્યા છે. રાશનકિટ વિતરણમાં સાહિત્યકાર રમેશભાઇ જોષી, દેવરાજ ગઢવી, પુત્ર ધનરાજ ગઢવી સાથે રહ્યા હતા. આ સેવા બદલ સમાજના અગ્રણીઓ રામજી મૂળજી મારવાડી, રામાભાઇ મારવાડી, રાજેશભાઇ મારવાડી, શિવજીભાઇ મારવાડીએ આભાર વ્યક્ત કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer