કોરોનાના કહેર વચ્ચે ગાંધીધામમાં કચરાના ગંજ

કોરોનાના કહેર વચ્ચે ગાંધીધામમાં કચરાના ગંજ
ગાંધીધામ, તા. 31 : વૈશ્વિક એવી કોરોના વાયરસની મહામારી વચ્ચે આ સંકુલમાં એકાંતરે સફાઇ કરવા પાલિકાએ નિર્ણય લીધો હતો.પરંતુ હાલમાં ક્યાંય સફાઇ ન થતી હોય તેમ સંકુલમાં અનેક જગ્યાએ  કચરાના ગંજ ખડકાયેલા નજરે પડે છે. કોરોના વાયરસના પગલે સમગ્ર દેશની સાથે આ સંકુલમાં પણ લોકડાઉન જારી છે.આ વાયરસનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આરોગ્ય તંત્ર, પોલીસ ખડેપગે છે. પાલિકાએ પણ સમગ્ર સંકુલમાં  સેનેટાઇઝેશન કર્યું છે. જો કે, અમુક વિસ્તારોમાં હજુ આવું ન થયું હોવાની ફરિયાદો પણ ઊઠી હતી. આવામાં એકાંતરે ડોર ટુ ડોર કચરો એકત્ર કરાશે અને સફાઇ પણ એકાંતરે કરવામાં આવશે જેથી લોકો કચરો  સાચવી રાખે તેવી અપીલ પણ પાલિકા દ્વારા કરવામાં આવી હતી. દરમ્યાન એકાંતરે પણ સાફસફાઇ ન થતી હોવાની ફરિયાદો  લોકોમાં ઊઠી છે. એક બાજુ પાલિકા દ્વારા સેનેટાઇઝેશન કરવામાં આવે છે. બીજી બાજુ કચરાના ગંજ ખડકાઇ ગયા છે.શહેરના ભારતનગર, અપનાનગર, આદિપુરમાં મણિનગર ત્રણ રસ્તા, ચાર વાળી, પાંચવાળી વગેરે વિસ્તારોમાં કચરાના ઢગલા નજરે ચડી રહ્યાં છે. કચરાના આવા ઢગલાનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો  કોરોનાની જગ્યાએ અન્ય બીમારીઓ ફેલાઇ જવાની દહેશત લોકોમાં પ્રસરી છે, જેથી પાલિકાએ આવા ઢગલા ઉપાડી લઇ ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યાં છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer