રાશન દુકાનોએથી આજથી મળશે વિનામૂલ્યે પુરવઠો

ભુજ, તા. 31 : ઉપસ્થિત થયેલી લોકડાઉનની પરિસ્થિતિમાં તમામ એન.એફ.એસ.એ. કાર્ડધારકોને એક?માસનો જથ્થો વિનામૂલ્યે વિતરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રેશનકાર્ડ હોલ્ડરોને નિયામક અન્ન નાગરિક પુરવઠા કચેરીની સૂચનાથી કચ્છના તમામ વાજબી ભાવની દુકાનો પરથી 1લી એપ્રિલથી જથ્થો આપવામાં આવશે અને ત્રણ દિવસમા વિતરણ પૂર્ણ કરી દેવાનો ફરજિયાત આદેશ વછૂટયો છે. આમ ગિરદી થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. જથ્થાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું રહેતું હોઈ વિતરણ વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે માટે મામલતદારોએ તેનું આયોજન કરવાનું રહે છે. ગ્રામ્ય વિસ્તારની વાજબી ભાવની દુકાને દુકાનદીઠ સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે શિક્ષકો, તલાટી/ગ્રામ સેવક, ગ્રામ રક્ષક દળના જવાન, સરપંચ તથા ગ્રામ્ય તકેદારી સમિતિના સદસ્યોની કમિટીની હાજરીમાં વિતરણ કરવાનું રહે છે. તેમજ શહેરી વિસ્તારની વાજબી ભાવની દુકાનો માટે શિક્ષક, પોલીસ, એન.જી.ઓ./કાઉન્સિલર અથવા તેમના પ્રતિનિધિની બનેલી કમિટીની હાજરીમાં વિતરણ કરવાનું રહે છે. કમિટીઓની રચના વાજબી ભાવની દુકાનદીઠ કરી જેનું આયોજન કરી હુકમની નકલ પહોંચતી કરવા તાકીદ કરવામાં આવી છે. એપ્રિલ-2020ના જથ્થાનું વિતરણ ઉપરોક્ત વિગતે વિનામૂલ્યે કરવાનું રહેતું હોઈ, વિતરણની પ્રક્રિયા સુચારુ રીતે થાય તે માટે દુકાનવાઈઝ રેશનકાર્ડ ધારકોને ટાઈમ સ્લોટ ફાળવવાના રહેશે અને તેની જાણ રેશનકાર્ડધારકોને આવતીકાલ સાંજ સુધી કરી દેવાની રહેશે. તે માટેની જરૂરી કુપન વ્યવસ્થા દુકાનદાર મારફતે ગોઠવવાનું આયોજન કરવાનું રહેશે તેવું પુરવઠા અધિકારીએ જણાવ્યું  હતું. કોવિડ-19ની સાવચેતીના પગલા સ્વરૂપે તમામ વાજબી ભાવની દુકાનના અગ્રભાગે એક એક મીટરના અંતર ઉપર રેશનકાર્ડ ધારકો માટે રાઉન્ડ કે ચોરસ નિશાન બનાવવાના રહેશે જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે અંગેના ફોટા આવતીકાલ સાંજ સુધીમાં અત્રેની કચેરીને મોકલી આપવાના રહેશે. જેથી વડી કચેરીને સત્વરે મોકલી શકાય. વિનામૂલ્યે કરવાનું થતું વિતરણ તા. 1/4થી શરૂ કરી તા. 3/4 સુધીમાં ફરજિયાત પૂર્ણ કરી લેવાનું રહેશે. આમ પ્રથમ દિવસે 30 ટકા ઉપરાંતનું વિતરણ પૂર્ણ થવું જોઈએ. આ માટે વિતરણ અંગેનું નિયમોનુસારનું રેકર્ડ સંબંધિત દુકાનદારોએ નિભાવવાનું રહેશે તથા ગ્રાહકોના કાર્ડમાં પણ આપેલા જથ્થાની નોંધ કરી સહી-સિક્કા કરવાના રહેશે.વિતરણ કરવામાં આવતા જથ્થાની માહિતીનું બોર્ડ જણસીવાઈઝ દુકાનના અગ્રભાગે ફરજિયાત બતાડવાનું રહેશે તેવું જણાવાયું હતું. ઉપરાંત અન્નબ્રહ્મ યોજનાના લાભાર્થીઓની ઓળખ કરી તેમની યાદી દુકાનવાઈઝ બનાવી તેઓને તા. 4/4થી 6/4 સુધીમાં અનાજની કિટનું વિતરણ પણ તાત્કાલિક ધોરણે કરી દેવાનું રહેશે. દરમ્યાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી રવીન્દ્ર ત્રવાડીએ રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને જણાવ્યું છે કે, માત્ર એનએફએસએનો સિક્કો લાગેલો હોય તેવા જ રાશનકાર્ડ ધારકોને મફત રાશન મળશે પરંતુ ઘણા ગરીબ લોકો પાસે રાશનકાર્ડ નથી તેવાના હંગામી કાર્ડ બનાવી મફત રાશન આપવા માંગ કરી છે. આ ઉપરાંત કચ્છમાં એપીએલ કાર્ડ ધારકોને આપવા અનાજના જથ્થાની પણ અછત હોવાનું સામે આવ્યું છે તો તે અંગે પણ વ્યવસ્થા કરવા પત્રમાં જણાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer