આઇપીએલ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ?

નવી દિલ્હી, તા. 31 : કોરોના મહામારીને લીધે સ્થગિત થયેલી આઇપીએલનું હવે આયોજન કરવાની તૈયારી થઇ રહી છે. લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ 29 માર્ગથી યોજાવાની હતી પણ કોરોના વાયરસના કારણે ટાળી દેવામાં આવી છે.કોરોનાના કહેરથી ટોક્યો ઓલિમ્પિક એક વર્ષ માટે સ્થગિત થયા પછી આઇપીએલને રદ કરવાની આશંકા વધી ગઇ હતી. જો કે ફરી વખત આઇપીએલના આયોજન માટે ફરીથી યોજના બનાવવામાં આવી રહી છે.હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ ઇન્ડિયન પ્રીમિયર લીગના સ્ટેક હોલ્ડર્સ ટૂર્નામેન્ટના આયોજનને લઇને ઓગસ્ટ-સપ્ટેમ્બર વચ્ચે કોઇ અવકાશ શોધવાની યોજના પર કામ કરી રહ્યા છે. બીસીસીઆઇએ એ વાતનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે કે ઓગસ્ટના અંતથી લઇને ઓક્ટોબરની શરૂઆત સુધીનો સમય છે, જેમાં ટૂર્નામેન્ટનું આયોજન થઇ શકે છે. જો કે આગામી ચાર મહિનામાં ભારતમાંથી કોરોનો વાયરસ પૂરી રીતે ખતમ થઇ જાય એ શરત રહેશે.ભારતીય બોર્ડનું હાલ ધ્યાન એ વાત પર છે કે આગામી સમયમાં બાબતો કઇ બાજુ આગળ વધે છે તે હિસાબે આગળની યોજના બનાવવામાં આવશે. તેમાં વિદેશી ખેલાડીઓ વગર પણ પ્રીમિયર લીગ આયોજિત કરાવવાનો વિચાર પણ સામેલ છે. બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે સ્થિતિ ઉપર નજીકથી નજર બનાવી રાખી રહ્યા છીએ અને અમે એ હિસાબે નિર્ણય કરીશું. અમે ઓગસ્ટ-સપ્ટેમ્બર વચ્ચે આયોજનનો અવકાશ શોધી રહ્યા છીએ. હાલ કાર્યક્રમ પ્રમાણે ભારતીય ટીમ સપ્ટેમ્બરમાં એશિયા કપમાં ભાગ લેવાની છે અને ત્રણ વન-ડે અને ત્રણ ટી-20 મેચમાં ઇંગ્લેન્ડની યજમાની કરવાની છે. આ પછી ટી-20 વર્લ્ડ કપ આયોજિત છે. ભારતીય બોર્ડ પોતાની વગ વાપરીને એશિયા કપના કાર્યક્રમમાં ફેરફાર કરાવે તેવી શક્યતા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer