15મી એપ્રિલનું ટ્રેનનું રિઝર્વેશન શરૂ

મુંબઇ/ગાંધીધામ, તા. 31 : કોરોના વાયરસનાં સંક્રમણને નાથવા માટે દેશભરમાં કરાયેલી તાળાબંધીના પગલે દેશના રેલવે વ્યવહારને પણ બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે લોકડાઉનની મુદત પૂરી થયાના બીજા જ દિવસે રેલવેની ગાડી પાટે ચડી જાય તેવી શક્યતા સર્જાઈ છે. ટ્રેનો શરૂ થયા બાદ પ્રવાસીઓના ધસારા વધવાની શક્યતાને ધ્યાનમાં લઈ કચ્છ પ્રવાસી સંઘ દ્વારા કચ્છ અને મુંબઈ વચ્ચે વધુ ને વધુ વિશેષ ટ્રેનો દોડાવવા માંગ કરવામાં આવી છે. આ અંગે રેલવેના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ કોરોના વાયરસનાં સંક્રમણની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા 15 એપ્રિલની તમામ ટ્રેનોનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. મુંબઈ સ્થિત સીપીટીએમ ઉદયશંકર ઝાએ 15 એપ્રિલથી રેલવે વ્યવહાર પૂર્વવત થવાની વાતને સમર્થન આપ્યું હોવાનું કચ્છ પ્રવાસી સંઘ મુંબઈના નીલેશ શ્યામ શાહે જણાવ્યું હતું.પ્રવાસી સંઘ દ્વારા પ્રવાસીઓને જરૂરિયાત હોય તો જ પ્રવાસ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે અને પરિસ્થિતિ થાળે પડી ગયા બાદ જ પ્રવાસનું આયોજન કરવા અપીલ કરવામાં આવી છે. 14 એપ્રિલ સુધી તમામ પીઆરએસ સેન્ટર બંધ છે, જેથી 15 એપ્રિલથી જૂન મહિના સુધી કોઈ પણ પીઆરએસ સેન્ટર ખાતે પ્રવાસીઓ રિફંડ મેળવી શકશે. કોરોના વાયરસ અન્વયે લોકડાઉન થતાં મુંબઈમાં અનેક કચ્છીઓ અટવાયા છે, જેથી ટ્રેનો ચાલુ થતાં ધસારો વધશે.  આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા વધુ ને વધુ કચ્છ મુંબઈ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવા માંગ કરાઈ છે. વધુ વિગતો મેળવવા માટે ચંદ્રેશ  ચંદ્રકાંત શાહ (નવાવાસ) 98338 91511, અરવિંદ ખેરાજ સાવલા (ખારોઈ) 98202 91166નો સંપર્ક સાધવા પ્રવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer