કચ્છમાં લોકડાઉન વચ્ચે સેવાના પાસ માટે અંધાધૂંધી

ભુજ, તા. 31 : જિલ્લામાં કોરોના વાયરસ ફેલાય નહીં તે માટે તંત્ર કડક હાથે કામ લઇ રહ્યું છે તો બીજી તરફ ઠીક લાગે તેવા લોકો મામલતદાર કચેરીમાંથી સેવાના પાસ મેળવી રસ્તાઓ પર વાહનો દ્વારા નીકળી પડી વસ્તુઓનું વિતરણ કરી રહ્યા છે, જેના કારણે પાસ મેળવવા અંધાધૂંધી અને સેવાના અતિરેક સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સનો અર્થ જળવાતો ન હોવાનો આક્ષેપ ઊઠી રહ્યો છે. હાલ કોરોના જેવી ગંભીર મહામારીને મારી હઠાવવા એકબાજુ તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે, પરંતુ લોકોને મદદના બહાને જાણે નવરાત્રિના પદયાત્રીઓની સેવા કરવાની હોય તેમ લોકો મામલતદાર કચેરીમાંથી પાસ મેળવી પોતાના વાહનો પર લગાવી માર્ગો પર નીકળી પડે છે, આ બાબતે પોલીસ પણ અજાણ હોવાથી તેમના વચ્ચે પણ માથાકૂટ થઇ રહ્યાના બનાવો બની રહ્યા છે. કચેરી સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આવા પાસ મેળવવા અમુક સંસ્થાઓ તો રાજકીય દબાણ પણ કરતી હોવાનું સાંભળવા મળ્યું હતું. ખરેખર હાલના સંજોગોમાં સંપૂર્ણ લોકડાઉનની જરૂર છે અને સરકાર પણ જરૂરતમંદો માટે વ્યવસ્થા કરી રહી  છે, ત્યારે આવી સંસ્થાઓ, લોકોએ સંયમ જાળવી સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં મદદરૂપ બનવું જોઇએ તેવો સૂર જાગૃત લોકો વ્યક્ત કરી રહ્યા છે અન્યથા આ રોગ ફેલાશે તો મહા મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ અંગે મામલતદાર યુ.એ. સુમરાનો સંપર્ક સાધતાં તેમણે આ અતિરેકને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, ગઇકાલથી પાસ આપવાનું બંધ કરી દેવાયું છે.કચેરી તરફથી અત્યાર સુધી કરિયાણા, મેડિકલ, ઘરો ઘર હોમ ડિલિવરી કરતી હોટેલના કામદારો, અમુક સ્વૈચ્છિક સંસ્થાઓ, ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ, શાકભાજી, લિગ્નાઇટની થંભેલી અમુક ટ્રકના ચાલકો સહિત 714 પાસ ઇશ્યૂ કરાયા છે, જેના માટે તેના આધારકાર્ડ, દુકાનના લાયસન્સ જેવા આધારો લેવામાં આવી  રહ્યા છે. બીજી તરફ ભુજ તાલુકાના મિરજાપર ગામે મહાદેવનગર વિસ્તારમા સહાય અર્થે આવેલા લોકોએ બે-થી ચાર લોકોને રાશનકિટ આપી ફોટા પડાવી ચાલતી પકડી હતી, ત્યારે સેવાના નામે ચાલતા ધતિંગથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. - ગાંધીધામ :દીનદયાળ પોર્ટમાં1000 કામદારોને પરવાનગી : ગાંધીધામ : આ સંકુલમાંદીનદયાળ બંદર ઉપર કામ કરતા 1000 જેટલા કામદારોને પરવાનગી અપાઇ છે. તો 200 જેટલી ટ્રકોને પણ પાસ આપવામાં આવ્યા છે. સાથોસાથ સ્વૈચ્છિક સંસ્થાઓ, મેડિકલ વગેરે 359 તથા કરિયાણાની દુકાનોના 670 સંચાલકોને પાસ આપવામાં આવ્યા છે.કંડલા ખાતે આવેલા દીનદયાળ બંદર ઉપર કામ કરતા કામદારો, શિપિંગ કંપની વગેરેએ  પ્રથમ ડીપીટીના પી.આર.ઓ. પાસેથી લખાવી લઇ બાદમાં મામલતદાર કચેરી દ્વારા પાસ આપવામાં આવે છે. દીનદયાળ બંદર પોર્ટ ઉપર આજે ખાતરની રેક લાગેલી હોવાથી ગઇકાલે 1000 કામદારો અને 200 જેટલી ટ્રકોના ચાલકોને પાસ આપવામાં આવ્યા હતા. તેમજ આવતીકાલ માટે 350 શ્રમિક અને 80-90 ટ્રકોને પાસ અપાયા છે. આ લોકો આવતીકાલે પોર્ટ ઉપર કામગીરી હાથ ધરશે. દરમ્યાન મેડિકલ, સ્વૈચ્છિક સંસ્થાઓ, દવા લેવા જિલ્લા બહાર જનારા લોકો, મૃત્યુના બનાવોમાં 359 પાસ મામલતદાર કચેરી દ્વારા લોકોને આપવામાં આવ્યા છે. તેમજ તાલુકાની 55 વાજબી ભાવની દુકાનોના સંચાલકોને પણ પાસ અપાયા છે તથા 615 જેટલા છૂટક, જથ્થાબંધ કરિયાણાની દુકાનોના સંચાલકોને પણ આવા પાસ અપાયા હોવાનું મામલતદાર કચેરીમાંથી જાણવા મળ્યું હતું. અંજારમાં 686 પાસ અપાયા આ સંકટના સમયમાં  અંજારમાં   સેવાકીય પ્રવૃત્તિ કરતી અંદાજિત 20 જેટલી સંસ્થાઓના કાર્યકરો  માટે  તંત્ર દ્વારા  80  જેટલા  પાસ  આપવામાં આવ્યા છે.અંજાર મામલતદાર કચેરી  દ્વારા લોકડાઉનમાં  જરૂરતમંદો સુધી વિવિધ પ્રકારની મદદ  પહોંચાડવા માટે અંજારની 20 સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ લેવાઈ છે. તંત્ર દ્વારા સંસ્થાઓનેસહાય પહોંચાડવા માટે અંજાર  શહેરની આજુ-બાજુના  વિભિન્ન વિસ્તારો ફાળવવામાં આવ્યા  છે. મામલદાર કચેરીના જાણકારોએ કહ્યું હતું કે, 20 જેટલી સંસ્થાઓના ચાર કાર્યકરોને ઓળખપત્ર સાથે  તા. 31/3 સુધીની સમયમર્યાદા સાથે પાસ આપવામાં આવ્યા છે. તંત્રે પાસની માન્યતાનો સમય વધારી તા. 14/4 સુધીનો કર્યો છે. આરોગ્ય વિભાગ, કરિયાણાની દુકાનો સહિતની આવશ્યક  ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા   કુલ્લ 686 લોકોને પાસ  અપાયા હોવાનું અંજાર મામલતદાર શ્રી મંડોરીએ કહ્યંy હતું. દરમ્યાન   કેટલાક  તત્ત્વોએ  લાગવગ વાપરી સેવાકીય પ્રવૃત્તિનાં  નામે  બજારમાં લટાર મારવા  તથા રોફ જમાવવા માટે જ પાસ કઢાવ્યો હોવાની ફરીયાદો ઊઠી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer