જાહેરનામાના ભંગ બદલ 85ની અટક

ભુજ/ગાંધીધામ, તા. 31 : લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે આજે સમગ્ર કચ્છમાં જાહેરનામું ભંગ કરનારા 85 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ પોલીસે છેલ્લાં ચોવીસ કલાક દરમ્યાન જાહેરનામાનાં ભંગ બદલ અલગ અલગ પોલીસ મથકોમાં કુલ 181 વાહન ડિટેઈન કર્યા છે અને જાહેરનામાં ભંગના 12 કેસ કરી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ છે. લોકડાઉનનાં પગલે ભુજમાં ડ્રોન દ્વારા સર્વે થઈ રહ્યો છે. આ વચ્ચે આજે શહેરમાં કારણ વિના રખડતી ભટકતી ત્રણ વ્યક્તિ સામે જાહેરનામાના ભંગ બદલના ત્રણ ગુના ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયા છે. જેમાં બે સંજોગનગર ખાતે તથા એક ઘનશ્યામનગર પાસે વ્યક્તિને પોલીસે ઝપટમાં લીધો હતો. જ્યારે મુંદરા પોલીસ મથકે આવા ત્રણ ગુના નોંધાયા છે. જેમાં વિલમાર કંપની પાસેની મજદૂર સંઘની કચેરી ખુલ્લી રાખનારી બે વ્યક્તિ સામે તથા વિવિધ નગરમાં ફરવા નીકળેલા ચાર શખ્સો તેમજ અલકનંદામાંથી આવી બે વ્યક્તિ સામે પોલીસે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી. દરમ્યાન માહિતી ખાતાની યાદી મુજબ ધારા 188ના ભંગ બદલ ગઈકાલ સુધી કુલ 32 વ્યક્તિ સામે એફ.આઈ.આર.  નોંધવામાં આવી છે અને રૂા. 62,100 જેટલી રકમનો દંડ કરવામાં આવ્યો છે. જાહેરનામાના ભંગ બદલ 31 જેટલી વ્યક્તિઓની ધરપકડ થઈ છે. કચ્છ જિલ્લામાં ગઈકાલ સુધીમાં કુલ 266 વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા છે. અંતરજાળના બસ સ્ટેન્ડ પાસે બેઠેલા ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી તથા શિણાઈ ગામના રોડ ઉપર વગર કારણે ઊભેલા ચાર શખ્સોને પકડી લેવાયા હતા. બીજીબાજુ મીઠી રોહરની બજારમાં વગર કારણે બેઠેલા ચાર લોકોની અટક કરવામાં આવી હતી અને ગાંધીધામના 400 ક્વાર્ટરમાં પાંચ તથા સેક્ટર-7ના ચોકમાં બેઠેલા 7 શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. લાકડિયા ગામના પંચાયત ચોકમાં બેસીને વાતો કરતા ચાર લોકોને પોલીસે દબોચી લીધા હતા. તો ભચાઉના હિમતપુરા વિસ્તારમાંથી પણ ચાર શખ્સોની અટક કરવામાં આવી હતી. કંડલામાં જેટી નં. 23ના ગેટ સામે ગુટખાની દુકાન ખોલનારા ઈસમની અટક કરાઈ હતી. રાપરના ત્રંબૌ ચાર રસ્તા પાસે ગેરેજ ખોલનારા તથા રાપરના જ બજાર સમિતિ રોડ ઉપર વેલ્ડિંગની દુકાન ચાલુ રાખનારા એક શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. પૂર્વ કચ્છ પોલીસે 12 ગુના નોંધીને 54 લોકોની ધરપકડ કરી હતી. 60 વાહનોને ડિટેઈન કર્યા હતા તથા 54 જેટલા લોકોને ગ્રામ્ય કક્ષાએ પોલીસ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી હતી.સાથોસાથ 63 જેટલા વરિષ્ઠ નાગરિકોની મુલાકાત લઈ તેમને જરૂર પડે તો પોલીસ હાજર છે તેવી બાંહેધરી આપવામાં આવી હતી. પૂર્વ કચ્છમાં 20 જેટલી શાકભાજીની બજારોની મુલાકાત લઈ ત્યાં ભીડ ન થાય તે માટે લોકો વચ્ચે અંતર રખાયું હતું. પશ્ચિમ અને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી પણ વોચ રાખવામાં આવે છે. જો તેમાં કારણ વગર કોઈ પોતાના ઘરેથી બહાર નીકળનારા ઝડપાશે તો તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer