લોકડાઉન વચ્ચે મુંદરા પોલીસે ભટકેલા બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું

ભુજ, તા. 31 : કોરોનાના કહેર વચ્ચે હાલ લોકડાઉનના છઠ્ઠા દિવસે જનસેવા સંસ્થાને લોકડાઉનમાં ફસાયેલો 12 વર્ષનો છોકરો મળી આવ્યો હતો. આ બાળકનું મુંદરા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જન સેવાના રાજ સંઘવી રાત્રે જૂના બંદર રોડ પર જલારામ બાપાના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સૂમસામ રસ્તા પર 12 વર્ષનો ચંદુ વાહનની રાહ જોઈ ઊભો હતો. સંસ્થાએ તરત જ તેને જમવાની પૂછા કરી બાદમાં પૂછતાં ચંદુએ જણાવ્યું હતું કે, હું રાજસ્થાનનો છું અને પોર્ટ નજીક કોઈ હોટલમાં કામ કરું છું. ગત રાત્રિના ચંદુ ત્યાંથી કોઈ ખાનગી વાહનમાં રેલવે ફાટક પાસે પહોંચી ત્યાંથી જલારામ બાપાના મંદિરે પગે આવ્યો હતો. બાદમાં જનસેવાએ બાળકને મુંદરા પોલીસને સુપરત કર્યો હતો. મુંદરા પોલીસ મથકના પી.આઈ. પી.કે. પટેલે ચંદુને પૂછતાં તેનો પરિવાર ઝીરો પોઈન્ટ પાસે રહેતો હોવાનું જણાવ્યું હતું અને છેલ્લે નગરના જાગૃતો પ્રવીણ રાઠોડ પોલીસ મથકે હાજર હોઈ આ બાળકને ઓળખતા ડી સ્ટાફની ટીમના પી.આઈ. શ્રી પટેલની સૂચનાથી 12 વર્ષના ચંદુનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer