ભચાઉની બજારોનું નિરીક્ષણ કરતા પોલીસવડા : જાહેરનામાનો ભંગ કરનારાઓને દંડાયા

ભચાઉ, તા. 31 : બે દિવસ પૂર્વે પૂર્વ કચ્છ પોલીસવડા પરીક્ષિતા રાઠોડે ભચાઉની મુલાકાત લઇ સમગ્ર બજારનું નિરીક્ષણ કર્યું હતું અને તે પૂર્વેના દિવસની મુલાકાત કરતાં લોકજાગૃતિ દેખાઇ તેને સારી વાત ગણાવી.તા. 23ના  બટિયા વિસ્તારમાં  એક વ્યકિત ઓફિસ ખોલી બેઠી હતી તેમને જણાવવા છતાં ખુલ્લી રાખતાં પોલીસવડાની સૂચનાથી જાહેરનામાના ભંગ બદલ પોલીસે કેસ કર્યો હતો.દરમ્યાન ભચાઉ ન.પા. દ્વારા જલારામ સોસાયટી સહિતના  વિસ્તારોમાં જંતુનાશક પાવડરનો છંટકાવ કરાયો હતો. ભચાઉ ખાતે ગાંધીધામથી ડીવાયએસપી શ્રી સૈયદ સુપરવિઝન કરે છે,જ્યારે ભચાઉના ડીવાયએસપી શ્રી ઝાલા રાપર ખાતે વ્યવસ્થા સંભાળી રહ્યા છે.દરમ્યાન સોમવારે કામખ્યા એક્સપ્રેસ અને પુરી ભુજ ટ્રેનમાં આવેલા અનુક્રમે 35 અને 12 પ્રવાસીઓના નામ-સરનામા આરોગ્ય ટીમે લીધા હતા. જેમાં ભચાઉની હિંમતપુરાની એક મહિલાનું 105 ટેમ્પરેચર હોતાં તબીબોએ તપાસ સારવાર આપી કોઇ શંકાસ્પદ લક્ષણ જણાય તો  તંત્રને જાણ કરવા જણાવી જવા દેવાઇ હતી. મુંબઇથી વાગડવાસીઓનો વતન તરફ આવવાનો પ્રવાહ ચાલુ છે. મંગળવારે 300 જેટલી કાર રવાના થઇ ચૂકી છે. જૂના કટારિયા સહિત ગામેગામ સર્વે કરી ઘરની બહાર નીકળવું નહીં. અન્યોએ મુંબઇવાળાના ઘર સાથે સંપર્ક કરવો નહીં તેવી કડક સૂચના દેવાઇ ચૂકી છે. નાયબ કલેક્ટર શ્રી જાડેજા, મામલતદાર શ્રી વાછાણીએ લાકડિયા વગેરે ગામે રાત્રે મુલાકાત લઇ મુંબઇગરા વિશે માહિતી એકત્ર કરી હતી. બહાર ફરનારાને ઘરમાં જવા કડક સૂચના આપી હતી. આંટા મારતા બાઇકચાલકો દંડાયા ભચાઉમાં કામ વગરઆંટા મારતા પાંચેક બાઇકચાલકો પર કાયદેસર કાર્યવાહી કરી હતી એમ પી.આઇ. શ્રી જેતપરિયાએ  જણાવ્યું હતું. ગેરકાયદે પરિવહન કરતા વાહન કબ્જે તો કચ્છમાં  આવતા ટ્રેઈલરો જેમાં તાલપત્રી બાંધી ખબર ન પડે એમ પ્રવાસી ભરીને આવતા સામખિયાળી પોલીસે સૂરજબારી ચેકપોસસ્ટ પર 16 મોટા વાહનો કબ્જે લઇ કાર્યવાહી કરી છે. બે નાના વાહનો મુંબઇથી આવેલા તે પકડાતાં તેમાં બેઠેલા માણસો રાપરથી આવીને સંબંધીઓ લઇ ગયાનું અને તમામની આરોગ્ય તંત્રએ નોંધ કર્યાનું સામખિયાળી પીએસઆઇ શ્રી રેવરે જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer