આર્થિક મદદરૂપ કેશડોલ્સ આપવા માંગ

ભુજ, તા. 31 : હાલમાં કોરોનાની મહામારી સંદર્ભે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સરકારને પક્ષાપક્ષીથી પર રહી સમર્થન આપ્યું છે અને યોગ્ય કામગીરી દેખાતી નથી. જેથી કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને પત્ર લખી કેટલાંક સૂચનો કરવામાં આવ્યાં હતાં.સસ્તા અનાજની દુકાન પરથી ઘઉં, ચોખા, ખાંડ, દાળ 1 એપ્રિલથી આપવાની જાહેરાત કરાઈ છે. જે વચ્ચેના સમયગાળામાં લોકો પાયમાલ છે. જથ્થો ખૂબ ઓછો છે તેવું જાહેરાતમાં દર્શાવ્યું છે. જેમાં 70 ટકા કચ્છ જિલ્લામાં મધ્યમ તથા ગરીબ વર્ગની જનતા રહે છે. જેથી ત્વરિત પારદર્શક રીતે વિતરણ કરવામાં આવે. આ કામગીરીમાં સ્વૈચ્છિક સંસ્થા તથા રાજકીય પક્ષના આગેવાનોને સાથે રાખવામાં આવે તેવું પત્રમાં જણાવાયું હતું.સમગ્ર જિલ્લામાં નગરપાલિકા વિસ્તાર, ગ્રામ પંચાયતો તથા વધુ વસ્તી ધરાવતા ગામોમાં યોગય રીતે આરોગ્યને લગતી પ્રવૃત્તિ જેવી કે સેનિટાઈઝેશન, માસ્ક વિતરણ, ડીડીટી છંટકાવ, સ્વચ્છતાકર્મીઓને ખડેપગે રાખવા જોઈએ, આરોગ્યની ટીમો શહેરી તથા ગ્રામીણ ક્ષેત્રોમાં જઈ લોકજાગૃતિ ફેલાવી માહિતીની આપ-લે કરી કોરોનાને કાબૂમાં લેવામાં આવે. ગરીબ તથા મધ્યમવર્ગના લોકોના છેલ્લા 15 દિવસથી ધંધા-રોજગાર બંધ રાખી લોકડાઉનનું પાલન કરી રહ્યા છે તેવા સંજોગોમાં સરકારે આર્થિક રીતે મદદ કરવી જોઈએ. જે કેશડોલ્સના સ્વરૂપમાં ચૂકવાય તેવી તાતી જરૂરિયાત છે, તેવું કોંગ્રેસના પ્રવક્તા ગનીભાઈ કુંભાર, કન્ટ્રોલ રૂમના ઈન્ચાર્જ ડો. રમેશ ગરવા, ધીરજ રૂપાણીએ જણાવ્યું હતું.સરકાર લોકડાઉનની અમલવારીમાં નવી-નવી જાહેરાતો કરે છે, પરંતુ અનાજ-જીવનજરૂરી ચીજવસ્તુ કે રોકડ સહાય ચૂકવી નથી, જે ગંભીર બાબત છે. જો હવે વિલંબ થશે તો જીવનજરૂરી ચીજવસ્તુની તંગી ફેલાશે,જેમાં અરાજકતાનું વાતાવરણ પેદા થશે. જે બાબતે યોગ્ય કરવા અનુરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારે અબજો રૂપિયાની જાહેરાત કરી છે, પરંતુ અમલવારી થઈ નથી. જેનાથી પ્રજામાં વધુ અસંતોષ ન ફેલાય તે પહેલાં યોગ્ય કરવું જોઈએ. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer