ભુજમાં શેરીફેરિયાઓને વેપાર કરવાની છૂટ આપો

ભુજ, તા. 31 : શેરીફેરિયાઓને નિયંત્રિત રીતે પણ રોજગાર મેળવવા અનુમતિ મળે તેવી લાગણી ફેલાઈ હતી.કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને રોકવા માટે 21 દિવસનું લોકડાઉન ખૂબ જ જરૂરી છે, પરંતુ સમાજના કેટલાક વંચિત પરિવારો પૂરતી સહાયતા વિના નહીં જીવી શકે. આવા વંચિતોને યોગ્ય અને પૂરતી સેવા મળે એ માટે ભુજ શહેર શેરીફેરિયા સંગઠન દ્વારા ચીફ સેક્રેટરી, એડિશનલ ચીફ સેક્રેટરી, અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ તેમજ પ્રિન્સિપાલ સેક્રેટરી ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, ગાંધીનગરને પત્ર પાઠવી માંગ કરાઈ હતી. રસ્તા ઉપર વેચાણ કરતા વેપારીઓ અને હાથલારીવાળા લોકો આ વંચિતમાં આવે છે. એમનું ગુજરાન રોજેરોજની આવક ઉપર નિર્ભર છે. આ લોકડાઉનના કારણે તેમની રોજગારી બંધ થઈ ગઈ છે અને આવનારા લાંબા સમય સુધી બંધ જ રહેશે. પરિવારોમાંથી મોટાભાગના પરિવારો એવા છે જેની આર્થિક ક્ષમતા નથી કે રોજગારી વગર લાંબા સમય સુધી પોતાનું ગુજરાન ચલાવી શકે ! સરકાર દ્વારા શહેરમાં અંદાજે 1200 હાથલારીવાળાઓનો સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેની સૂચિ રાજ્ય સરકાર અને નગરપાલિકા પાસે ઉપસ્થિત છે. શહેરની બિનસરકારી સંસ્થાઓ અનુસાર અંદાજે 800 એવા હાથલારીધારકો છે જેની નોંધ કોઈ કારણોસર આ સર્વેમાં થઈ નથી. તેમનામાંથી એવા વેપારીઓ પણ છે જે અન્યની લારી પર પગારદાર તરીકે કામ કરે છે. આ વિક્રેતાઓને પૂરતી સહાય મળે એ માટે સંગઠને સરકારને વિનંતી કરી કેટલીક માગણીઓ રજૂ કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer