ગાંધીધામમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઓપીડી શરૂ

ગાંધીધામ, તા. 31 : કોરોના વાયરસની રોકથામ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જ એકમાત્ર?ઉપાય છે. એકબીજાના સંપર્કથી આ જીવલેણ વાયરસ ફેલાઇ રહ્યો છે. આવા સંજોગોમાં હોસ્પિટલોમાં જવું અત્યારે જોખમભર્યું છે. છતાંય સંકુલમાં લગભગ તબીબો દ્વારા જીવના જોખમે પણ ઓ.પી.ડી. શરૂ રાખી છે. તબીબો માટેના માસ્ક સહિતનાં સુરક્ષાનાં સાધનોની બજારમાં પૈસા આપતા પણ મળતા ન હોવાના કારણે તબીબોને મુશ્કેલી પડી રહી છે. દરમ્યાન, ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા આરોગ્ય તંત્ર સમક્ષ?સુરક્ષાનાં સાધનો ફાળવવા માંગ કરાઇ?છે, જે અંગે તુરંતમાં કાર્યવાહી કરાશે. મુંબઇમાં અવસાન પામેલા આધેડે ગાંધીધામના ત્રણ તબીબો પાસેથી સારવાર લીધી હતી. આ બનાવ બાદ તબીબોમાં ભારે ગભરાટની લાગણી પ્રસરી છે. હાલના સંજોગોમાં કોઇ?દર્દી પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હોય અને થોડી અસર હોય તો પણ તબીબને ભયના માર્યા જાણ કરતા નથી. આવા સંજોગોમાં હોસ્પિટલો જીવતા બોમ્બ જેવી કહી શકાય તેવી ભીતિ ખુદ સંકુલના તબીબો વ્યક્ત કરી રહ્યા છે. તબીબો દ્વારા આવશ્યક હોય તો જ હોસ્પિટલની મુલાકાત લેવા અનુરોધ કરાઇ રહ્યો છે. તબીબો પાસે સેનિટાઇઝર તો હોય જ છે પરંતુ એન-95 માસ્ક, ગ્લોવ્ઝ, કેપ સહિતના સુરક્ષાનાં સાધનો હાલ મળતાં જ નથી. જે લોકોએ માસ્ક પહેરવાની જેને જરૂરિયાત પણ ન હોય તેવા લોકોએ ખરીદી લેતાં અછત સર્જાઇ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. આવા સંજોગો વચ્ચે ગાંધીધામમાં તબીબોએ ઓ.પી.ડી. બંધ કરી હોવાની વાત વહેતી થઇ હતી, પરંતુ આઇ.એમ.એ. દ્વારા જરૂરી માર્ગદર્શિકા આપી તમામ તબીબોને ઓ.પી.ડી. ચાલુ રાખવા જણાવાયું છે અને લગભગ હોસ્પિટલોમાં ઓ.પી.ડી. ચાલુ જ છે.આઇ.એમ.એ.ના સચિવ ડો. મુનીરા મહેતાના જણાવ્યા પ્રમાણે તબીબો ફોન દ્વારા એપોઇન્ટમેન્ટ આપી દર્દીને બોલાવે છે અને દરેક તબીબોને સેનિટાઇઝરનો ઉપયોગ કરાવાય છે.જો એકથી વધુ દર્દી હોસ્પિટલમાં આવે તો એક મીટરનું અંતર રાખવામાં આવે છે. ડાયાબિટીસ કે બ્લડપ્રેશરની તકલીફ?હોય અને જૈફ વયના તબીબોએ સ્વેચ્છાએ ઓ.પી.ડી. બંધ રાખવાનો નિર્ણય લીધો છે. અને ઇમરજન્સીના કેસમાં તમામ દર્દીઓને સારવાર અપાય છે. આ ઉપરાંત આઇ.એમ.એ. ગાંધીધામ શાખા દ્વારા આરોગ્ય તંત્રને તબીબોની યાદી આપવામાં આવશે અને તે પ્રમાણે એન-95 માસ્ક અને ગ્લોવ્ઝ સહિતનાં સુરક્ષાનાં સાધનો ફાળવવામાં આવશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer