ડીપીટીના આગામી બોર્ડમાં જો અનુભવી ટ્રસ્ટીઓ નહીં હોય તો ભારે નુકસાન થશે

ગાંધીધામ, તા 31 : મેજર પોર્ટ એક્ટ 1963ને બદલે હવે મેજર પોર્ટ ઓથોરિટી બિલ-2020 લોકસભામાં પસાર થયું છે ત્યારે બદલાયેલા કાયદાને કારણે અહીં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના આગામી બોર્ડમાં સંભવત: અનુભવી લેબર ટ્રસ્ટીઓ નહીં હોય. આ સંજોગોમાં ગાંધીધામ સંકુલને નુકસાન થવાની ભીતિ કુશળ અકુશળ અસંગઠિત કામદાર સંગઠન પૂર્વ-પશ્ચિમ કચ્છે વ્યક્ત કરી છે. સંગઠનના મહામંત્રી વેલજીભાઇ જાટે એક યાદીમાં જણાવ્યું છે કે, અત્યાર સુધી લેબર ટ્રસ્ટી તરીકે વધુ કામદારોની સંખ્યા ધરાવતા સંગઠનના બે નિવૃત્ત કે નિયમિત આગેવાનોની વરણી થતી હતી. હવે નવા ઓથોરિટી બિલમાં નિવૃત્તને બદલે માત્ર?નિયમિત કામદાર આગેવાનોની  વરણી થશે.ડી.પી.ટી.ને લાગેવળગે છે ત્યાં સુધી અત્યાર સુધી લેબર ટ્રસ્ટીપદે અનુભવી આગેવાનો પ્રતિનિધિત્વ કરતા હતા. અત્યારના બોર્ડમાં મનોહર બેલાણી તથા એલ. સત્યનારાયણ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. હવે આ બોર્ડની મુદ્દત માર્ચમાં પૂર્ણ થઇ રહી છે. વર્તમાન બંને લેબર ટ્રસ્ટી નિવૃત્ત કર્મચારી છે. પરિણામે હવે તેઓ ભૂતકાળ બની જશે.આ બાબત ગાંધીધામ સંકુલ તેમજ કામદારો માટે ઝટકારૂપ છે. આ બંને આગેવાનો બહોળો અનુભવ ધરાવતા હોવાથી બોર્ડ બેઠકોમાં કામદારોના તથા ગાંધીધામ સંકુલના મહત્ત્વના પ્રશ્નો વારંવાર ઉઠાવતા રહીને તેના ઉકેલ માટે પ્રયત્નશીલ રહ્યા છે. જો ઓથોરિટી મુજબ આગામી બોર્ડ રચાશે તો તેમાં તેમની ખોટ સાલશે. અધૂરામાં પૂરું નવાં બોર્ડમાં અધર ઇન્ટરેસ્ટના ટ્રસ્ટીઓ પણ નહીં હોય એટલે ગાંધીધામ સંકુલને નુકસાન થવાનો ભય છે. આ યાદીમાં શ્રી જાટે આવા સંજોગોમાં માન્ય કામદાર સંગઠનોએ વિચારધારા ભૂલીને એક મંચ ઉપર આવવું જોઇએ તેવી અપીલ કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer