અંજારમાં અટવાયેલા પાંચસો મજૂરોને રોજ જમવાની વ્યવસ્થા

અંજાર, તા. 31 : લોકડાઉનનો પિરિયડ ચાલી રહ્યો છે ત્યારે રોજનું કમાઇ રોજ ખાતો મજદૂર વર્ગ તેમજ પરઘડી મજૂર તેમજ લોકડાઉનમાં ફસાયેલા લોકોની હાલત અતિ કફોડી- દયાજનક છે ત્યારે અંજાર શહેરમાં સમાજસેવી હાજી અનવરશા મહેબુબસા સૈયદ બાપુ દ્વારા દરરોજ બપોરે અંદાજિત 500 જણને જમાડવાનું કાર્ય શરૂ કરાયું છે. હાજી અનવરશા બાપુ અને તેમના પિતાજી મહેબુબશા (બુદ્ધુ બાપુ)ની દેખરેખ હેઠળ ચાલતા લંગરખાનાથી દરેક સમાજના ભુખ્યા જરૂરતમંદ લોકો જે `લંગરખાના' સુધી આવી શકે તેઓને `લંગરખાને' જમાડાય છે, જે લોકો અહીં નથી પહોંચી શકતા તેવા લોકોને શોધી તેમનું જમવાનું પહોંચતું કરવા પૂરી ટીમ કામે લાગી છે. લશ્કર ફળિયા અંજારમાં તેમના નિવાસસ્થાને ચાલતા `લંગરખાના'નો સંપૂર્ણ ખર્ચ હાલે તેમનો પરિવાર ઉઠાવી રહ્યો છે. અનવરશા બાપુના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી પરિસ્થિતિઓ થાળે નહીં પડે, જ્યાં સુધી જમવા માટેની માંગ થતી રહેશે ત્યાં સુધી આ જમાડવા માટેનું કાર્ય ચલાવતા રહેશું. રસોઇ પકવવા, પેકિંગ કરવા, તથા જરૂરતમંદો સુધી પહોંચતું કરવા સહયોગ કરનારા રાયમા આદમભાઇ, પઠાણ જમીયત, પઠાણ સતારખાન, છરેચા ઇકબાલ   રાયમા મજીદ, પઠાણ જાવેદખાન, પઠાણ અસગરખાન, જત રજાકભાઇ નોડે હનિફ, શેખ સમીર, શેખ રમજુનો પણ આભાર માન્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer