અંજાર એજ્યુકેશન સોસાયટી કર્મચારીઓને પગાર ઉપરાંત વધારાની આર્થિક સહાય કરશે

અંજાર, તા. 31 : વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસે ભારતમાં પણ પગપેસારો કર્યો છે.ભારતમાં કોરોનાનાં કારણે સતત મૃત્યુઆંક વધી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા શાળા, કોલેજો, ખાનગી અને સરકારી પર્યટક સ્થળ 14મી એપ્રિલ સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે ત્યારે કચ્છમાં અંજાર એજ્યુકેશન સોસાયટીએ કર્મચારીઓના હિતમાં પગાર ઉપરાંત રૂા. 8000 આર્થિક સહાય આપવાનું નક્કી કરી એક આદર્શ સંસ્થાનું ઉદાહરણ પૂરું પાડયું છે. અંજાર એજ્યુકેશન સોસાયટી નામની સંસ્થામાં 165 જેટલા કર્મચારીઓ કામ કરે છે. કોરોના વાયરસના કારણે આ સંસ્થામાં 21 દિવસની રજા જાહેર કરવામાં આવતાં સંસ્થાના પ્રમુખ ચંદ્રકાંતભાઇ પલણ, ઉપપ્રમુખ કિશોરભાઇ દક્ષિણી, માનદ્મંત્રી પ્રફુલ્લભાઇ પંડયા, સહમંત્રી રમણીકભાઇ ભટ્ટ તથા ખજાનચી મુકેશભાઇ શાહ સમક્ષ સંસ્થાના કેમ્પસ કો-ઓર્ડિનેટર ડો. શિલ્પાબેન ભટ્ટ દ્વારા રજૂઆત થતાં સંસ્થાના કર્મચારીઓની ચિંતા વ્યક્ત કરી હતી અને નિર્ણય લીધો હતો કે તમામ કર્મચારીઓને પગાર ઉપરાંત રૂા. 8000 આર્થિક સહાય આપવામાં આવે.શાળા અને કોલેજનું શૈક્ષણિક કાર્ય બંધ?છે ત્યારે તમામ વિદ્યાર્થીઓ માટે મોબાઇલ એપ દ્વારા અલગ અલગ વિષયની પુનરાવર્તન વર્કશીટ તૈયાર કરી વિદ્યાર્થી ઘરે બેસીને પુનરાવર્તન કરી શકે તે માટે કાર્યરત છે. શિક્ષકો પણ આ પુનરાવર્તન વર્કશીટના સાચા જવાબ સાથે આન્સર કી ઘરે બેસીને તૈયાર કરી રહ્યા છે અને વિદ્યાર્થી તથા વાલીઓ ઘરે બેસી તે સાચા જવાબ સાથે પોતાના જવાબની સરખામણી કરી મોબાઇલ એપ દ્વારા વિદ્યાર્થી પુનરાવર્તન ગ્રેડ મેળવી શકશે. અંજાર એજ્યુકેશન સોસાયટી હંમેશાં તેના તમામ કર્મચારીઓને વધુમાં વધુ મદદરૂપ થવા તત્પર રહી છે, જે અંતર્ગત દરેક કર્મચારીઓના બે બાળકોની નિયમ મુજબ ફી માફીના લાભ, દિવાળી ફેસ્ટિવલ એલાઉન્સ, કર્મચારીઓની કો-ઓપરેટિવ મંડળીમાંથી આર્થિક સહાય વગેરે જેવી ઉમદા સહાય કર્મચારીઓને આપતી રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer