કોરોના મામલે હજુ તમામ તંત્ર, નાગરિકો ગંભીર ન હોવાનો ભાસ

ગાંધીધામ, તા. 31 : સરકારી કે ખાનગી કચેરીઓ, દુકાનો વગેરે જાહેર સ્થળોએ જ્યાં લોકડાઉન છતાં આવશ્યક સેવાને લઈને કામકાજ ચાલુ છે ત્યાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા જાગૃતિ રાખવાની છે, પરંતુ કોઈ તંત્ર કે નાગરિકો હજુ જોઈએ તેવા ગંભીર ન હોવાનો ભાસ થઈ રહ્યો છે. ગાંધીધામ સંકુલની આસપાસ આવશ્યક ચીજોના ઉત્પાદન સાથે સંકળાયેલા અનેક ઉદ્યોગ ધમધમી રહ્યા છે. તેમાં મોટી સંખ્યામાં કામદારો આવી રહ્યા છે. આ તમામને જરૂરી માસ્ક સેનિટાઈઝર જેવાં સાધનો નહીં અપાયાં હોવાની બૂમ છે. કચેરીઓમાં આવતા જતા લોકોના હાથ ફરજિયાત સેનિટાઈઝ કરાવવા જોઈએ, પરંતુ આવી ભાંજગડ એકાદ-બે દિ' ચાલ્યા બાદ ભુલાઈ ગઈ છે. આજે રાજ્યમંત્રી વાસણભાઈ આહીર દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના પ્રશાસનિક ભવન પહોંચવાના હોવાનો સંદેશ આવતાં જ સુરક્ષા કર્મીઓ સેનિટાઈઝરની બોટલ શોધવા દોડાદોડી કરતા જણાયા હતા. રાજ્યમંત્રીને બતાવવા પૂરતું આ કાર્ય હાથ ધરાયું હતું. મતલબ કે કોરોના સંક્રમણ બાબતે હજુ આપણે સૌ જોઈએ તેવા ગંભીર નથી. ખરેખર તો આરોગ્યના તાલીમી કર્મચારીઓને આવાં સ્થળે કામગીરી સોંપવી જોઈએ તેવી ટકોર પણ થઈ રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer