કલા-કારીગીરીને વરેલા લોકોને રાહત પેકેજ આપો

માંડવી, તા. 31 : કોરોના વાયરસને લઈને લોકડાઉનની પરિસ્થિતિમાં વિશ્વકર્મા સમાજના કલા-કારીગીરીને વરેલા લોકોને રાહત આપવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. લોકડાઉનની પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી લોકોને રાહત પેકેજ આપવામાં આવ્યા છે. પરંતુ આમાં નાની નાની ઈન્ડસ્ટ્રીઝ, નાના ઉદ્યોગો કે નાના કારખાનેદારોને કોઈ રાહત આપવામાં આવી નથી, તેવું ગુજરાત પ્રદેશના પ્રમુખ દુર્લભભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું હતું. વૈશ્વિક મહામારીની પરિસ્થિતિમાં ગુજરાતની અંદર લોકડાઉનને લઈને વિશ્વકર્મા સમાજના તેમજ વિશ્વકર્મા સમાજના પારંપારિક વ્યવસાય સાથે જોડાયેલા અનેક નાના કારખાનેદારો, નાના ઉદ્યોગકારો અને કારીગરો આર્થિક રીતે ભીંસમાં આવ્યા છે. આમ પણ છેલ્લા ઘણા સમયથી મંદીનો માર સહન કરતા આ વર્ગ ઉપર આ બીજો મોટો ફટકો છે. આ કપરા સમયમાં રાજકોટ, જામનગર અને અમદાવાદ જેવા શહેરો જ્યાં નાની-મોટી અનેક ઈન્ડસ્ટ્રીઝ અને અનેક નાના-મોટા કારખાનાઓ આવેલા છે. તેમજ ગુજરાતના લગભગ તમામ જિલ્લા અને શહેરોમાં અનેક ઔદ્યોગિક એકમો છે તેમને કોરોનાની મહામારીને લઈને આવી પડેલી મુસીબતમાં ચાર માસનું વીજળીનું બિલ માફ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer