મુંદરામાં શ્રમિકોની હઠ, અમને બસ આપો

મુંદરામાં શ્રમિકોની હઠ, અમને બસ આપો
મુંદરા, તા. 29 : વતનના વલોપાતે રાજ્ય બહારના અહીં સ્થાયી થયેલા શ્રમિકોને ઘરથી બહાર કાઢ્યા છે, નાના બાળકની જેમ કાકલૂદી કરતા 500 જેટલા પરપ્રાંતીય મજૂર અહીંના એસ.ટી. બસ સ્ટેશને પહોંચી ગયા અને હઠ પકડી કે અમને વતનમાં જવું છે, બસ આપો ને આપો.  મધ્યપ્રદેશ, દાહોદ, ગોધરાના આ શ્રમિકો સાથે સ્થાનિક પ્રશાસને 3 કલાક સમજાવટ કરી ત્યાર પછી માંડ પોતાના અહીંના ઘરોમાં પાછા ફર્યા હતા. આ શ્રમિકો કોઈ ઠેકેદારના માણસો જ છે. રહેવા-જમવાની સુવિધા છે, પણ ટીવી અને સોશિયલ મીડિયામાં આવતા પ્રશ્નોએ તેમને પોટલા બાંધવા મજબૂર કર્યા હતા. અલગ અલગ વસાહતોના શ્રમિકોની માગણી હતી કે, અમને વતનમાં જવા બસ કાઢી આપો. પ્રાંત અધિકારી કે. જી. ચૌધરી, પીઆઈ પી. કે. પટેલ, મામલતદાર શ્રી વાઘેલા અને યશોધર જોષી સહિતનાઓ છેવટે આ શ્રમિકોને તેમના સ્થાનિક રહેણાકના વિસ્તારોમાં જાવ, તમને તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે. તંત્ર તમારી સાથે જ છે તેવી ખાતરી આપવામાં સફળ થયા હતા. સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક પોલીસ બળપ્રયોગ કરે છે, જેનું કવરેજ ટીવીમાં બતાવવામાં આવે છે, જેની નકારાત્મક અસરે શ્રમિકોના ઉચાળામાં જોશ ભર્યું હતું. સૂત્રોએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગોધરાની બસ સવારે ઉપડશે તેવી અફવાએ પરિસ્થિતિ વણસાવી નાખી. કેટલાક શ્રમિકો ગત રાત્રે જ પોતાના વતન જવા પગપાળા નીકળી ચૂક્યા છે, તો કેટલાક નીકળવાની ફિરાકમાં છે. દરમ્યાન જ્યાં 12થી 14 સભ્યોના બાળકો શિક્ષણ મેળવે છે એ યુસુફ મહેરઅલી સેન્ટર સંચાલિત વિદ્યાલયમાં 40 જેટલા દાહોદ ગોધરાના શ્રમિક પરિવારે આજે આશ્રય મેળવ્યો હોવાનું સંસ્થાના વડા ધર્મેન્દ્રભાઈએ જણાવ્યું હતું. સ્થાનિક લોકોના સહકારથી તેમને ભોજન તથા રાશનકિટ આપવામાં આવી હતી. ફરી કામ મળશે કે નહીં તેવી ચિંતાએ હિજરતને વેગ આપ્યો છે. લેબ કોન્ટ્રાક્ટરોને પગાર ક્યાંય નથી તેવું પણ બિનાસત્તાવાર જાણવા મળે છે. પરિસ્થિતિ પેચીદી બની છે. દરમ્યાન વાંકીથી નિઝારભાઈ ખોજા જણાવે છે કે, વાંકી પત્રી, લાખાપર, કાંડાગરા વિસ્તારના દિવસમાં બે વખત રિક્ષા અને માઈક દ્વારા `ઘરમાં રહો' તેવી સૂચના આપવામાં આવી હતી. વાંકીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સમાઘોઘાથી વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, કાનપુર વિસ્તારના સાંસદ સત્યદેવ પચૌરી સ્થાનિક સાંસદ સાથે વાતચીત કરી સમાઘોઘાની જિંદાલ કંપનીમાં મજૂરોને છુટા કરી દેવામાં આવ્યા છે, જેથી તેમને સુવિધા પૂરી પાડવાનું જણાવવામાં આવ્યું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer