નોન કોવિડ દર્દીઓ માટે લેવા પટેલ હોસ્પિટલ તૈયાર

નોન કોવિડ દર્દીઓ માટે લેવા પટેલ હોસ્પિટલ તૈયાર
ભુજ, તા. 29 : શહેરના ખાનગી તબીબોએ નોન-કોવિદ ઇમરજન્સી સેવાઓ માટે કરેલી રજૂઆત અંગે શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટે કલેક્ટર/નોડલ ઓફિસરને આવેદનપત્ર આપીને સેવાની તૈયારી દર્શાવવા સાથે સૂચન કર્યું છે કે તેમાં ભુજ તેમજ કચ્છના ખાનગી ફિઝિશિયનોની પૂરતી સેવાઓ આ હોસ્પિટલમાં કરાવવી જોઇએ. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઇ ગોરસિયા અને મંત્રી કેસરાભાઇ પિંડોરિયાએ કલેક્ટરને રૂબરૂ પત્ર પાઠવતાં કહ્યું હતું કે, ખાનગી તબીબોનાં સૂચનો મુજબ ટ્રસ્ટે કેટલાક નિર્ણયો કર્યા છે. આ ટ્રસ્ટે અત્યાર સુધી પૂરી સઘનતાથી આ મહામારી સામે લડતમાં સરકાર અને તંત્ર સાથે કામ કર્યું છે અને હજુ પણ કરશે એની ખાતરી આપીએ છીએ. નોન-કોવિદ ઇમરજન્સી માટે આ ટ્રસ્ટ અલાયદા વિભાગમાં સંસાધનો સાથે તમામ સેવાઓ ફાળવવા તૈયાર છે પરંતુ અત્યારે નિયમિત દર્દીઓનો વર્કલોડ છે તે નજરે વધારાની સેવાઓ (બિન-કોવિદ) માટે ભુજ તેમજ કચ્છના ફિઝિશિયનોની પૂરતી સેવાઓ એમ.એમ.પી.જે. હોસ્પિટલને ઉપલબ્ધ કરાવવામાં આવે. કારણ કે મોટા ભાગના ફિઝિશિયનોના પોતાના ખાનગી દવાખાના બંધ છે અને અમુક ફિઝિશિયનોએ લેવા પટેલ હોસ્પિટલમાં સેવા આપવા તત્પરતા બતાવી છે, જે સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવે. વધુમાં નોન-કોવિદ દર્દીઓ માટે ટ્રસ્ટ અલગથી ઇમરજન્સી વિભાગો/વોર્ડો ફાળવશે. એટલું જ નહીં ખાસ નોંધ એ લેવાની કે આ ટ્રસ્ટ પાસે અત્યાધુનિક ઓપરેશન થિયેટરો છે. ઇમરજન્સી દર્દીઓને સારવાર સાથે સર્જરીઓ પણ કરવી પડી શકે છે, એટલે સર્જરીઓ માટે પણ આ સંસ્થાની સેવાઓ લેવામાં આવે એવું અમારું સૂચન છે. આ ટ્રસ્ટ પાસે પૂરતા વેન્ટિલેટર છે, વધારાના વેન્ટિલેટર વસાવવા સંસ્થા તૈયાર છે. સાથેસાથે રાષ્ટ્રહિતની આ ઘડીમાં આરોગ્યની તમામ સુવિધા જનહિતમાં આપવા ટ્રસ્ટ પોતાના દાન અને સંસાધનો સાથે સજ્જ છે, પરંતુ આ વિશાળ વ્યાપક કાર્યને પહોંચી વળવા પીઠબળ તરીકે સરકારની યોજનાઓ (મા અમૃતમ-આયુષ્માન) તેમજ કેન્દ્ર સરકારે જાહેર કરેલા આરોગ્ય પેકેજ સહિતના લાભો જનસેવાના વ્યાપ માટે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી વિનંતી છે. અત્રે એ નોંધવું રહ્યું કે વર્ષે ત્રણેક લાખ દર્દીઓને તદ્દન રાહત દરે સારવાર આપતા આ ટ્રસ્ટની માતુશ્રી મેઘબાઇ પ્રેમજી જેઠા લેવા પટેલ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, શ્રી કચ્છી લેવા પટેલ સમાજ અને દેશ-વિદેશ વસતા તમામ લેવા પટેલ જ્ઞાતિજનો તથા દાતાઓની ઉદાર સેવાભાવનાનું પ્રતીક છે, તેમ ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer