કોરોનાએ વાગડના ગામડાંઓને બનાવ્યાં સૂમસામ

કોરોનાએ વાગડના ગામડાંઓને બનાવ્યાં સૂમસામ
ખેંગાર પરમાર દ્વારા- આડેસર (તા. રાપર), તા. 29 : કોરોનાએ દેશ અને દુનીયાને બાનમાં લીધાં છે. અનેકની જિંદગીમાં હોમાઇ ગઇ છે. અનેક વેન્ટિલેટર પર જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઇ રહ્યા છે. અનેક લોકે આ વાયરસની જાળમાં ફસાઇ ગયા છે અને અનેકને પોતાની જાળમાં ફસાવવા આ વાયરસ ધાક જમાવીને બેઠો છે. બસ એને ઇન્તજાર છે આપણી લાપરવાહીનો. આ ચર્ચા વાગડમાં જાગૃતો કરી રહ્યા છે. કોરોનાની ભયંકરતા માનવ જિંદગીને ભરખી જાય તેવી છે. જવાબદાર અને સમજદાર લોકો ઘરની બહાર નથી નીકળતા અને નીકળે છે તો પણ ઇમરજન્સીમાં અને એ પણ પૂરી કાળજી સાથે, પણ એક વર્ગ નાસમજ છે જે માનતો નથી. ગુજરાતમાં કચ્છ વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. જોઇએ તેટલું શિક્ષણ વિસ્તારમાં નથી એવું લોકો કહે છે અને એમાંય વાગડ સૌથી પછાત છે. વાગડ એટલે વા અને ગડ. વા એટલે વાયરો પવન અને ગડ એટલે પાણા-પથ્થર... જ્યાં પથ્થર અને પવન સિવાય બીજું કાંઈ નથી એવો વિસ્તાર એટલે વાગડ એવું લોકે માનતા આવ્યા છે, પણ ધરતીકંપ પછી આ વિસ્તારની રોનક આખી બદલાઇ ગઇ છે. અહીં અનેક પરિવારો એવા છે જે ગરીબ છે. જેઓ પોતાના સંતાનોને ગામમાં જેટલું ભણતર ભણવાનું હોય તેટલું ભણાવી  વાયા વાયા ઓળખાણ કરાવીને મુંબઇ મૂકી દે છે. ત્યાં પગાર પણ સારા અને મુંબઇનું નામ પણ મોટું. આમા અનેક એવા હોંશિયાર અને કાબેલ છોકરાઓ છે જેઓએ નોકરી કરતાં કરતાં ધંધો શીખીને પોતાના ખુદના બીઝનેસ ચાલુ કર્યા છે અને વાગડના અનેક છોકરાઓને પોતાના ધંધામાં કામે રાખ્યા છે અને હોંશિયાર છોકરાઓને ધંધામાં ભાગીદાર બનાવીને એ આખો ધંધો એના કાંધે નાખી દીધા છે. આવાં અનેક બાલુડાં હાલ વતન પરત ફર્યાં છે. સમય બડા બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન. એ કહેવત હાલના સંજોગોમાં આ વિસ્તારમાં લાગુ પડી રહી છે. જેઓ મુંબઇ કમાવા ગયા છે તેઓ જ્યારે પોતાના વતનમાં આવે ત્યારે સૌ તેમને સારો આવકાર આપે. ખુશીથી બાથોમાં લઇને ઊંચા ઉપાડે, જમવાના પ્રોગ્રામ રાખે, ફુઇ, કાકા, મામા વગેરેના ઘરે એક એક દિવસ રોકાય મોજ મજા કરે પણ આ વખતે સ્થિતિ પલટાઇ છે. હાલે આ સૌ કોઇ એક સામટા વાગડમાં આવ્યા છે. આવનાર એ જ છે અને આવકારનારે એ જ છે પણ સમય એવો આવી ભરાણો છે કે જેના આવવાથી વિસ્તાર આખામાં ખુશીનું વાતાવરણ  ઊભું થતું એ જ લોકો આવવાથી આ વિસ્તારના લોકો તેમને આવકારતાં ડરે છે, બોલાવતાં  ડરે છે. અડતાં ડરે છે. વાહરે સમય વાહ. હાલના સમયમાં વાગડ વિસ્તારમાં કોરોનાનો એક પણ દર્દી નથી છતાં મુંબઇથી આવ્યા છે એ કોરોના સાથે લઇને આવ્યા છે એ વાતે આખા વિસ્તારમાં ભયનું વાતાવરણ ઊભું કરી દીધું છે. લોકડાઉનમાં સૌ કૌઇએ પોતાના ધંધા રોજગાર બંધ કરી ઘરમાં પૂરાઇ રહ્યા છે છતાં મનમાં ડર છે કે મુંબઇથી આવ્યા છે તે આપણે ત્યાં ના આવે તો સારું. એમની વાતેય સાચી છે. સાવચેતી જરૂરી છે. થોડા દિવસ ના બોલાવે, ના મળો, ના અડો તો કાંઇ વાંધો નહીં પણ છુઆછુતની આ બીમારી ના આવે એમા સૌની ભલાઇ છે. આ વિસ્તારના સણવા, મોડા, ખાંડેક, ફતેગઢ, માંઝુવાસ અને મોમાયમોરાની આજની રૂબરૂ મુલાકાતે એવું લાગ્યું કે જાણે આ વિસ્તારને કોઇનો શ્રાપ લાગી ગયો છે. ગલીઓ, શેરીઓ, બજારો, રોડ રસ્તાઓ સૂમસામ દેખાયાં. કયાંક કયાંક એક, દોકલ માણસો નજરે પડયા. કોઇ બેજણ મોટર સાઇકલ પર આવતા હોય અને એમાંય કોઇ ગાડી સામે આવે અને તેઓ પોલીસની ગાડી સમજી રસ્તાઓ બદલાવી નાખે. આ બધાં અંતરિયાળ ગામો છે. શિક્ષણ ઓછું છે, કોઇ પેસેન્જર વાહનમાં ખીચોખીચ પેસેન્જર ભરીને ગાડી જતી હોય અને આ ગાડીને પોલીસની ગાડી સમજી ચોથા ગેરમાં ફુલ લીવર દબાવે. કોઇ ગામમાં ઓટલામાં બેચાર જણ બેઠા હોય અને ગાડી જોઇને રવાના થઇ જાય. આ નજારો ઐતિહાસિક છે. કોઇપણ સંજોગોમાં ગમે તેવા સમયમાં આવું નથી કયારેય બન્યું કે ના બનશે. આ વિસ્તારમાં પોલીસની કામગીરી બહુ જ પ્રશંસનીય છે વિસ્તાર એટલો મોટો છે કે પોલીસ પહોંચી વળતી નથી. સૌ આશા રાખીએ કે કોરોનાના કાળા કેરના વળતા પાણી થાય. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer