ભચાઉમાં વિસ્તૃત ચર્ચા સાથે કોરોના સામે રક્ષણનું તજજ્ઞો દ્વારા માર્ગદર્શન

ભચાઉમાં વિસ્તૃત ચર્ચા સાથે કોરોના સામે રક્ષણનું તજજ્ઞો દ્વારા માર્ગદર્શન
ભચાઉ, તા. 29 : ખતરનાક કોરોના વાઇરસ સામે રક્ષણ અને બચાવ અંગેની બેઠક આરોગ્ય ક્ષેત્રના અનુભવીઓ સાથે સ્થાનિક નગરપાલિકા કચેરી ખાતે મળી હતી. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને ગંભીરતાથી લઇ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે સ્થાનિક પાલિકા દ્વારા બચાવ અંગેની બેઠક નગરના અગ્રગણ્ય તબીબો, આરોગ્ય ખાતાના અધિકારી અને મેડિકલ સ્ટોરના  વિક્રેતાઓ સાથે સુધરાઇ પ્રમુખ કુલદીપસિંહ વીરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં આરોગ્ય ક્ષેત્રના લોકોએ વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. ખાસ કરીને શરદી, ખાંસીવાળા દર્દીઓએ યોગ્ય સારવાર બાદ ઘરથી બહાર નીકળવાનું  ટાળવું જોઇએ. શરીરની સફાઇ રાખવી, મોઢાં પર ખાંસતી વખતે રૂમાલ રાખવો, જાહેરમાં લોકો સાથે હસ્તધૂનનની જગ્યાએ નમસ્કાર કરવા અને આગામી હોળીના પ્રસંગે તેમાં કપૂર તથા ગૂગળ નાખી પ્રગટાવવા જોઇએ. વિવિધ મત પ્રગટ કર્યા હતા. સુધરાઇ પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ આ અંગે યોગ્ય માર્ગદર્શિકા બહાર પાડી લોકજાગૃતિના પગલાં માટેની કામગીરીના પ્રયાસો શરૂ કરવાનું જણાવ્યું હતું. નગરના ડો. કે. કુમાર, ડો. મેવાડા, ડો. શામળિયા, ડો. ધર્મેન્દ્ર પરમાર, ઇશ્વર ઓઝા, ડો. ક્રિષ્નાસિંહ જાડેજા, ડો. અંસારી, સુરેશ પાંડે અને વાગડ વેલ્ફેર હોસ્પિટલના એમ. ડી. ફિઝિશિયન ડો. નિખિલેશ પટેલ વગેરે આરોગ્ય નિષ્ણાંતો  હાજર રહ્યા હતા.સંચાલન પાલિકાના એસ.ડી. ઝાલાએ કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer