ડીપીટી તમામ કામદારોની કાળજી લે છે

ડીપીટી તમામ કામદારોની કાળજી લે છે
ગાંધીધામ, તા. 29 : આવશ્યક સેવામાં ગણાતા દીનદયાળ બંદરે ચાલતી ગતિવિધિ અંગે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ તમામ કામદારોની પૂરતી કાળજી લેતું હોવાની પ્રશાસને સ્પષ્ટતા કરી છે. એક યાદીમાં જણાવ્યા પ્રમાણે લગભગ 700 કાર્યકરો તમામ કામદારોની થર્મલ ગનથી તપાસ કરતા રહીને કોરોના સંક્રમણ અંગે સુનિશ્ચિત થાય છે. બંદરની અંદર જઇને કામ કરતા સૌને સવારે અને સાંજે ભોજનની વ્યવસ્થા ઊભી કરાઇ છે. ફલોટીલા વિભાગના જે કામદારો રસ્સા ખેંચીને જહાજોની જેટી ઉપર લાંગરવાનું કામ કરી રહ્યા છે તે તમામને ઇન્ડસ્ટ્રીયલ ગ્લોવ્સ આપવામાં આવ્યા છે. ડીપીટી અધ્યક્ષ જાતે પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા   બેઠકો યોજીને યોગ્ય માર્ગદર્શન પણ આપી રહ્યા છે. વચ્ચે વચ્ચે મહાબંદરની મુલાકાત લઇને પણ તેઓ સ્થિતિની જાણકારી લઇ રહ્યા છે. તેવું યાદીમાં જણાવાયું છે. દરિયામાં જઇ વિવિધ જહાજોને જેટી ઉપર લાવવા કે પરત મૂકવાની કામગીરી સાથે સંકળાયેલા પાઈલટસને કોરોના સ્પેશિયલ કિટ સાથે જ જહાજો ઉપર મોકલવામાં આવે છે. ગઇકાલે મહાબંદરની તમામ જેટીઓ ઉપર જહાજ લાગેલા હતા, કેન્દ્ર તથા રાજ્ય સરકારના કોવિદ-19ને લગતા તમામ સૂચનો સાથે જ ડીપીટી બંદરે કાર્યવાહી કરાઇ રહી છે. ગાંધીધામ મામલતદારને સાથે રાખીને ડીપીટી ઉપાધ્યક્ષ, ટ્રાફિક મેનેજર, એફ.એ. એન્ડ સી.એ.ઓ. પર્સોનલ ઓફિસર, પી.આર.ઓ. વગેરેની ટીમે 700થી 800 કામદારો માટે પાસ, અન્ય જરૂરી પ્રશ્નોની ચર્ચા-વ્યવસ્થા ગોઠવી રહી હોવાનું આ યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer