ગાંધીધામ-કંડલામાં અટવાયેલા ચાલકોને વહારે આવ્યું ટેન્કર સંગઠન

ગાંધીધામ-કંડલામાં અટવાયેલા ચાલકોને વહારે આવ્યું ટેન્કર સંગઠન
ગાંધીધામ, તા. 29 : કોરોના વાયરસએ ગુજરાતમાં ઘૂસણખોરી કરતાં રાજ્ય સરકાર દ્વારા તાળાબંધીની જાહેરાત કરાઈ છે. જેને પગલે ગાંધીધામ અને મુંદરા બંદરે માલ ભરી આવેલા અનેક ટ્રકચાલકોને જીવન જરૂરી ચીજવસ્તુ મેળવવા માટે અગવડતા પડી રહી છે, ત્યારે કંડલા મુંદરા ટેન્કર-કન્ટેનર એસો. દ્વારા ભારે વાહન ચાલકોને રાશનકિટ વિતરણ કરવા માટે વ્યાયામ આદરવામાં આવ્યો છે.આ મહામારીનું સંક્રમણ અટકાવવા માટે સરકાર અને તંત્ર દ્વારા હોટેલો, પાન, બીડીની દુકાનોને બંધ કરવા સહિતનાં પગલાં લેવાયાં હતાં, જેને કારણે ગાંધીધામ અને મુંદરામાં આવતા અનેક ભારે વાહન ચાલકોને ભોજન તથા જીવન જરૂરી ચીજવસ્તુઓ મેળવવા હાલાકી વેઠવી પડે છે. દરમિયાન કંડલા, મુંદરા ટેન્કર-કન્ટેનર  એસોસીએશન દ્વારા ગાંધીધામથી મુંદરા જતા માર્ગમાં ઊભેલા ભારે વાહનના ચાલકો તથા કેન્ટેનર લઈ જતા વાહનના ડ્રાઈવરોને રાશનકિટ આપવામાં આવશે.એસોસીએશનના જયેશભાઈ રાજદેએ જણાવ્યું હતું કે ડ્રાઈવરો માટે રાશનકિટ તૈયાર કરવા માટે હાલમાં તૈયારી ચાલી રહી છે. કિટસ તૈયાર થઈ જતાં વિતરણ કરવામાં આવશે. આગામી દિવસોમાં અંદાજિત 1500 જેટલી કિટ તૈયાર કરી વિતરણ કરાશે.દરમ્યાન આમ આદમી પાર્ટીના પ્રમુખ રોશનઅલી સંઘાણીએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, હોટેલ અને ઢાબા બંધ હોવાથી ટ્રકચાલકો 24 કલાકથી ભૂખ્યા છે. આ વર્ગ માટે યોગ્ય વ્યવસ્થા કરવા તેઓએ માંગ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer