લોકડાઉનમાં સતત કાર્યરત રહેતા ગાંધીધામ આદિપુરના પોલીસ જવાનો સ્વસ્થ

લોકડાઉનમાં સતત કાર્યરત રહેતા ગાંધીધામ આદિપુરના પોલીસ જવાનો સ્વસ્થ
ગાંધીધામ, તા. 29 : કોરોના વાયરસ સામેનો જંગ જીતવા કેન્દ્ર સરકાર દ્વારા આગામી 14 એપ્રિલ સુધી જારી કરેલા દેશવ્યાપી લોકડાઉનનું અમલીકરણ કરાવવા માટે સદાય સક્રિય રહેતા ગાંધીધામ-આદિપુરના પોલીસ જવાનોના આરોગ્યની ચકાસણી ગાંધીધામની ખાનગી હોસ્પિટલ દ્વારા કરાઇ હતી. લોકડાઉનના અમલીકરણ માટે પોતાની અને પરિવારની ચિંતા કર્યા વિના સતત ફરજ ઉપર રહેતા ગાંધીધામ-આદિપુરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના આરોગ્યને તપાસનું આયોજન રામકૃષ્ણ સેવા ટ્રસ્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ચાલેલા આ કેમ્પનો ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથક ખાતેથી આરંભ કરાયો હતો. આ ઉપરાંત એલ.સી.બી., એસ.પી. ઓફિસ, આદિપુર પોલીસ મથકના કર્મચારીઓના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. આ વેળાએ પૂર્વ કચ્છ પોલીસવડા પરીક્ષિતા રાઠોડ, અંજાર ડીવાય.એસ.પી. ડી. એસ. વાઘેલા સહિતના અધિકારીઓ, કર્મચારીઓનું થર્મલ ક્રીનિંગ અને અન્ય તબીબી તપાસ કરવામાં આવી હતી. અંદાજે 160થી વધુ પોલીસ કર્મચારીઓના આરોગ્યની તપાસ કરાઇ હતી, જેમાં તમામ પોલીસ જવાનોનું આરોગ્ય સ્વસ્થ હોવાનું જણાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer